મોડીરાતે સયાજી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ વચ્ચે તકરાર
છોડાવવા વચ્ચે પડેલા પટાવાળાને ઇજા થતા સયાજીમાં જ સારવાર લીધી : પોલીસે તપાસ શરૃ કરી
વડોદરા,સયાજી હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર્સ અનેે ફાર્માસિસ્ટ વચ્ચે ઝપાઝપી થતા છોડાવવા વચ્ચે પડેલા પટાવાળાને ઇજા થતા તેને સયાજી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડી હતી. જે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં હાજર સ્ટાફ પાસે લાઇફ સેવિંગ ડ્રગ્સ હોવી જોઇએ. જેથી, ઇમરજન્સીમાં કોઇ દર્દી આવે તો તેનો જીવ બચાવી શકાય. પરંતુ, મોટાભાગે સ્ટાફ પાસે આવી દવાઓ નહીં હોવાથી જ્યારે દર્દી આવે ત્યારે પટાવાળાને સ્ટોર પર મોકલી તાત્કાલિક દવાઓ મંગાવતા હોય છે. સ્ટોરનો સ્ટાફ પણ ઇમરજન્સીને ધ્યાને લઇને તરત જ દવા આપી દેતા હોય છે. ગઇકાલે તેવી રીતે જ દવા લેવા આવતા સ્ટોરમાંથી દવા આપી દેવામાં આવી હતી. થોડીવાર પછી તાત્કાલિક વિભાગમાંથી ફરીથી દવા લેવા આવતા ફાર્માસિસ્ટ દ્વારા ના પાડવામાં આવી હતી. જેના પગલે રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સ ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં ધસી ગયા હતા. તેઓએ ફાર્માસિસ્ટ સાથે માથાકૂટ શરૃ કરતા પટાવાળા દેવેન્દ્ર ધનજીભાઇ પરમાર દોડી ગયા હતા. તેઓ ફાર્માસિસ્ટને બચાવવા જતા તેઓને પણ જમણા હાથે ઇજા થઇ હતી. તેઓએ સયાજી હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાતે બે વાગ્યે દવાખાના વર્ધી લખાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી છે. જોકે, બંને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.