વુડા બિલ્ડિંગમાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીમાં ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે મુક્કાબાજી

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
વુડા  બિલ્ડિંગમાં પ્રાદેશિક કમિશનર   નગરપાલિકાની કચેરીમાં ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચે મુક્કાબાજી 1 - image

કારેલીબાગ વિસ્તારની વુડા બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલી પ્રાદેશિક કમિશનર નગર પાલિકાની કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી ચીફ ઓફિસર(વર્ગ-૩) અને કર્મચારીઓ વચ્ચે ચાલતા ખટરાગની વાત હાથાપાઇ સુધી આવી જતાં બંને પક્ષે સામસામે આક્ષેપો કરતી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સયાજીપુરાની દેવકૃપા સોસાયટીમાં રહેતા મૂળ ગાંધીનગરના મયૂર વસંતરાય જોષીએ પોલીસને કહ્યું છે કે,હું ઉપરોક્ત ઓફિસમાં ચીફ ઓફિસર તરીકે (નાયબ મામલતદાર) ફરજ બજાવું છું.કચેરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી કેયૂર પટેલનો સમય પુરો થઇ ગયો હોવા છતાં તે ઓફિસમાં આવી સહી કરતો હોવાથી મેં તેને અટકાવ્યો હતો અને હાજરીપત્રકમાં નોંધ કરી ઉપર જાણ પણ કરી હતી.

સવા મહિના પહેલાં રીશેષના સમયે કેયૂર ઓફિસમાં છાજે નહિં તે રીતે બેઠો હોવાથી મેં તેને ટોક્યો હતો અને સીસીટીવી મૂકવા માટે રજૂઆત પણ કરી હતી.જેની અદાવત રાખી ગઇકાલે સવારે કેયૂર અને જુગલ પ્રજાપતિએ મને માર માર્યો હતો.

સામેપક્ષે કેયૂર પટેલે કહ્યું છે કે,મયૂર જોષીને ફાઇલ પર ટૂંકા લખાણ લખવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો.જેથી હું તેમને શીખવવા માટે જતાં મારી સાથે ઉધ્ધતવર્તન કર્યું હતું.અધિક કલેક્ટરે પણ ઉગ્ર બોલાચાલીની નોંધ લીધી હતી.મયૂર જોષી બીજા પણ કર્મચારીઓ સાથે બેફામ વાણી વિલાસ કરી ઉધ્ધત વર્તન કરતા હોવાથી ૧૯ જણાએ તેમની  બદલી માટે રજૂઆત કરી હતી.આ અંગે કારેલીબાગ પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સાહેબ મારો પીછો કરે છે અને જોયા કરે છે,મયૂર જોષી સામે છેડતીનો ગુનો

ચીફઓફિસર મયૂર જોષી સામે એક મહિલાએ પણ છેડતીનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ કહ્યું છે કે,હું જ્યારે પણ ઓફિસમાં કામ માટે આવુ ત્યારે સાહેબ મને એકીટશે જોયા કરતા હોય છે.તેઓ મારો પીછો પણ કરતા હોય છે.

કારેલીબાગ પોલીસે મયૂર જોષી સામે છેડતીનો અલાયદો ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News