કલાલીમાં ગેલેરીમાં મુકેલા કુંડામાં પાણી નાખવા બાબતે મારા મારી
હુમલો અને તોડફોડ : બંને પક્ષની સામસામે ફરિયાદ
વડોદરા,કલાલી રોડ બ્લ્યૂ બેલ ટાવરમાં ગઈકાલે સવારે બે પરિવાર વચ્ચે મારામારી થતા પોલીસને બોલાવી પડી હતી. બંને પક્ષની સામ સામે ફરિયાદો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
વડસર બ્રિજ પાસે વિરલ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષના સોફ્ટવેર એન્જિનિયર ચંદ્રકાંત અરવિંદભાઈ પટેલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ,ગઈકાલે ૧૭ તારીખે હું મારા ઓળખીતા અપરાજીતાબેન બળવંતરાય સતીજા (રહે. બ્લ્યૂ બેલ વિસેંજા હાઇડેક કલાલી) કલાલી ના ઘરે લિગલ કેસની તૈયારીના કામ માટે ગયો હતો. સવારે સવા આઠ વાગ્યે હું કોમ્પ્યુટર પર કામ કરતો હતો અને અપરાજીતાબેન નાસ્તો બનાવતા હતા . ત્યારે અચાનકથી દરવાજો જોર જોરથી ખખડાવાનો અવાજ આવતા અપરાજીતાબેને દરવાજો ખોલ્યો હતો. તેમના ઘરની નીચે રહેતા મયૂરભાઈ તથા તેમના પત્ની જુલીબેને કુંડામાં પાણી નાખવા બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો. અપરાજીતાબેને દરવાજો બંધ કર દેતા થોડીવારમાં ૧૫ થી ૨૦ લોકોએ આવીને દરવાજો તોડી નાખીને ધમકી આપી ઘરમાં તોડફોડ કરી હતી. તેમજ એક આરોપીએ બળાત્કાર ગુજારવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે મયૂર સૂર્યકાંતભાઈ પટેલે અપરાજીતાબેન તથા ચંદ્રકાંત અરવિંદભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અપરાજીતાબેનની ગેલેરીમાં મૂકેલા કુંડામાં પાણી નાંખવાથી અમારા ત્યાં ગંદકી થતી હોય પાણી નહીં નાખવા બાબતે અવાર - નવાર સમજાવ્યા હતા તેમ છતાં તેઓ પાણી રેડતા હતા. આજે સવારે પણ અમારી ગેલેરીમાં પાણી પડતા અમે તેએના ઘરે કહેવા ગયા ત્યારે તેઓએ મારા અને મારી પત્ની પર હુમલો કર્યો હતો.