ફૂટપાથ પર સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાલતી શાળા ૧૫૦ બાળકોનું શૈક્ષણિક ઘડતર કરી રહી છે
વડોદરાઃ શિક્ષણનો એક દિવો સેંકડો વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પાથરી શકે છે.....વડોદરાના યુવા સિવિલ એન્જિનિયરે આ વાક્યને સાર્થક કરી બતાવ્યુ છે.શહેરના અમિતનગર ચાર રસ્તા પાસે આનંદ નગરમાં રહેતા અને હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા નિકુંજ ત્રિવેદીની તુલસીવાડી વિસ્તારના કોમ્યુનિટી હોલ કે પછી આ વિસ્તારના પપિંગ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં રોજ સાંજે ચાલતી ઈવનિંગ સ્કૂલ ધો.૧ થી લઈને ધો.૧૨ સુધીમાં ભણતા ૧૫૦ બાળકોના ભવિષ્યનુ ઘડતર કરી રહી છે.
નિકુંજભાઈ આઠ કલાકની નોકરી પૂરી કર્યા બાદ ઘરે જવાની જગ્યાએ સીધા પોતાની ઈવનિંગ સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે પહોંચી જાય છે.તેમની આ સ્કૂલ સાંજે સાડા સાત વાગ્યે શરુ થાય છે અને દસ વાગ્યા સુધી ચાલે છે.વરસાદની સિઝન હોય તો બાળકો કોમ્યુનિટી હોલમાં ભણે છે અને જ્યારે ચોમાસુ ના હોય તો આ બાળકોને પપિંગ સ્ટેશનની જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે નિકુંજભાઈ શિક્ષણ આપે છે.નિકુંજભાઈને જોઈને તેમના શિક્ષણ યજ્ઞામાં બીજા ૬ લોકો પણ જોડાઈ ગયા છે.જેઓ પણ નિયમિત રીતે અહીંયા બાળકોને શિક્ષણ આપવા માટે આવે છે.
નિકુંજભાઈ કહે છે કે, મેં તો નાનપણમાં મારા પિતાને ગૂમાવ્યા હતા.માતાએ મને ઉછેર્યો હતો.સરકારી સ્કૂલમાં હું ભણ્યો હતો અને એ પછી એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને મેં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.સરકારી સ્કૂલોમાં ભણતા ઘણા બાળકોની આર્થિક સ્થિતિ સારી નથી હોતી.ઉપરાંત તેમને સ્કૂલના શિક્ષણ ઉપરાંત વધારાના ટયુશનની પણ જરુર રહેતી હોય છે.આવા બાળકોને મદદ કરવી જોઈએ તેવા આશયથી મેં કોરોનાનુ આગમન થયુ તેના થોડા સમય પહેલા જ મેં પાંચ બાળકો સાથે કારેલીબાગના ફૂટપાથ પર ઈવનિંગ સ્કૂલ શરુ કરી હતી.થોડી સંખ્યા વધી તો કોરોના આવી ગયો હતો.સ્થાનિક લોકોના વિરોધના કારણે મારે સ્કૂલનુ સ્થળાંતર કરવાનો વારો આવ્યો હતો.હવે આ સ્કૂલ હું આ વિસ્તારના કાઉન્સિલરોની મદદથી તુલસીવાડી વિસ્તારમાં ચલાવુ છું.ચોમાસુ હોય તો કોમ્યુનિટી હોલ અને એ સિવાયના સમયમાં તુલસીવાડીના પપિંગ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં બાળકો બેસે છે અને અમારી ટીમ તેમને ભણાવે છે.બાળકોને દર વર્ષે અમે પાઠયપુસ્તકો, સ્ટેશનરી પણ પૂરા પાડીએ છે.દર વર્ષે મારા પગારનો મોટો હિસ્સો સ્કૂલ ચલાવવામાં વપરાય છે.
ચાર વિદ્યાર્થિનીઓએ ધો.૧૦ પાસ કર્યું
નિકુંજભાઈની સ્કૂલમાં રોજ સાંજે ભણીને ચાર વિદ્યાર્થિનીઓએ ધો.૧૦ની પરીક્ષા પાસ કરી છે.જેમાં વૈદિહી મકવાણાના ૮૦ ટકા આવ્યા છે.વાઘેલા આરતીએ ૬૬ ટકા, જાદવ અંકિતાએ ૬૪ ટકા અને માહેસિરિને ૭૨ ટકા મેળવ્યા છે.આ પૈકી એક વિદ્યાર્થિનીએ સાયન્સ લીધુ છે તો અન્ય એક વિદ્યાર્થનીએ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અને બાકીની બે વિદ્યાર્થિનીઓએ કોમર્સનો અભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે.આ વિદ્યાર્થિનીઓ પણ સમય મળે તો નાના બાળકોને ભણાવવા માટે મદદ કરે છે.
દિવાળીમાં દરેક બાળકને કપડાં, ફટાકડા અને મિઠાઈની ગિફટ
ફૂટપાથ પર ચાલતી આ પાઠશાળામાં ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ જેવા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે.દિવાળીમાં દરેક બાળકને એક જોડ નવા કપડા, મિઠાઈનુ બોક્સ તેમજ ફટાકડા આપવામાં આવે છે.સ્કૂલ અંગે જાણ્યા બાદ દાતાઓ પણ બાળકોને મદદ કરવા માટે આવતા હોય છે.તેમના માટે એક નિયમ બનાવાયો છે.બાળકોને તેઓ કોઈ પણ જાતની સહાય સ્કૂલના સમય દરમિયાન કરી શકતા નથી.જેથી બાળકોનુ શિક્ષણ પ્રભાવિત ના થાય.
કયા ધોરણના કેટલા વિદ્યાર્થીઓ
બાલમંદિર, ધો.૧ અને ૨ના ૩૦
ધો.૩, ૪ અને પાંચના ૫૦
ધો.૬, ૭ અને ૮ના ૪૫
ધો.૯ થી ૧૨ના ૧૬
બીકોમ,બીએ અને એલએલબીના સ્ટુડન્ટસ ભણાવે છે
અત્યારે આ સ્કૂલમાં જે લોકો નિયમિત ભણાવવા આવે છે તેમાંથી બ્રિજેશ સિંઘ રાજ અને તેમના પુત્ર દેવનો સમાવેશ થાય છે.બ્રિજેશ સિઘ પોતે સ્કૂલમાં નોકરી કરે છે અને તેમનો પુત્ર એલએલબીનો અભ્યાસ કરે છે.આ ઉરાંત બીકોમનો અભ્યાસ પૂર્ણ કરનાર જાનવી વણકર, બીએ કરી રહેલો હર્ષ ખુમાણ અને જસ્મીતા માધડ અને જૈમિની માધડ નામની બે બહેનોનો સમાવેશ થાય ચે.તેઓ પણ આ સ્કૂલમાં ભણવા આવતી હતી.બંનેએ ધો.૧૨માં ૭૫ ટકા મેળવ્યા બાદ હોમસાયન્સનો અભ્યાસ કર્યો છે.
તેજસ્વી બાળકોને પોતાના ખર્ચે બીજા ટયુશન ક્લાસ અને ખાનગી સ્કૂલમાં મોકલે છે
નિકુંજભાઈ જરુર પડે તો આ બાળકોમાંથી ઘણાને વધારાના ટયુશનમાં પણ મોકલે છે અને તેમની ફી પોતાના ગજવામાંથી ભરે છે.તેઓ કહે છે કે, કેટલાક બાળકો ભણવામાં તેજસ્વી લાગે તો હું તેમને ખાનગી સ્કૂલોમાં અને પ્રોફેશનલ ટયુશન ક્લાસમાં એડમિશન કરાવી આપુ છું.તેમની ફીનો ખર્ચ હું ભોગવુ છું.દર વર્ષે મારા લગભગ પાંચ લાખ રુપિયા આ વિદ્યાર્થીઓને ભણાવવા પાછળ જાય છે.કેટલાક દાતાઓ મદદ કરે છે અને આ રીતે બાળકોનું શિક્ષણ ચાલી રહ્યુ છે.અત્યારે આવા ૧૫ જેટલા બાળકોને મેં ખાનગી સ્કૂલમાં કે ટયુશન ક્લાસમાં મૂકયા છે.
કોઈના માટે સતત સારું કામ કરવાની ખુશી જ અલગ છે
નિકુંજભાઈ કહે છે કે, મને આ કામ કરવામાં આનંદ આવે છે.એમ પણ નવા કપડા કે નવા મોબાઈલ જેવી વસ્તુઓની ખુશી બહુ ઓછા દિવસ ટકતી હોય છે પણ કોઈનુ સતત સારુ કરવાનો આનંદ જ અલગ છે અને તેનાથી તમને અલગ જ પ્રકારનો સંતોષ મળતો હોય છે.મને ખબર છે કે, સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોને બીજા શૈક્ષણિક સપોર્ટની જરુર પડતી હોય છે પણ મારે ત્યાં આવતા બાળકોમાંથી ઘણા ખરા ટયુશનના પૈસા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી હોતા.એટલે તેમને હું ભણાવુ છું.મને લાગે છે કે, સરકારી સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે. મારી પાસે આવતા ઘણા બાળકોને તો નવેસરથી ભણાવીને તેમનો પાયો મજબૂત કરવો પડે છે.શિક્ષણનુ જે પ્રકારે ખાનગીકરણ થઈ રહ્યુ છે અને હવે શિક્ષણ કમાણીનુ સાધન બની ગયુ છે તે જોઈને દુખ થાય છે.