Get The App

ની રીપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે ખાનગી હોસ્પિટલના એજન્ટોના સિવિલમાં આંટાફેરા

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ની રીપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે ખાનગી હોસ્પિટલના એજન્ટોના સિવિલમાં આંટાફેરા 1 - image


ખ્યાતિકાંડ જેવી સ્થિતિનું પુનરાવર્તન થાય તો નવાઇ નહીં

હોસ્પિટલમાં એજન્ટો જ જે તે વિભાગના ડોક્ટર્સ તથા અધિકારીઓ પાસે ફાઇલમાં સહી અને સિક્કા કરવા માટે પહોંચી જતા હોવાની ફરિયાદો ઉઠી

ગાંધીનગર :  દર્દીઓ પોતાના દર્દની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ સરળતાથી નિઃશુલ્ક લઇ શકે તે માટે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના અમલી છે. જેમાં દસ લાખ સુધીની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવે છે. તાજેતરમાં ખ્યાતીકાંડ બાદ આ યોજનામાં થતા કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે ત્યારે દર્દીઓ લાવવાથી લઇને તેમની ફાઇલમાં સિવિલના સહિ સિક્કા કરાવવા માટે પણ ખાનગી હોસ્પિટલોએ એજન્ટો નિયુક્ત કર્યા છે.

પીએમજેએવાય અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં પણ વિવિધ સારવાર નિઃશુલ્ક થવા લાગી છે જેના કારણે ખ્યાતી હોસ્પિટલની જેમ ઘણી ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીને જરૃર છે કે નહીં તેની પરવાહ કર્યા વગર તેમની સર્જરી કરી દેવામાં આવે છે. જેની સામે ક્લેમ કરીને સરકાર પાસેથી આ યોજના અંતર્ગત રૃપિયા પણ મેળવી લે છે. જો કે, આ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ લાવવાથી લઇને દર્દીઓના ક્લેમ પાસ થઇ જાય ત્યાં સુધીની પ્રક્રિયા કરવા માટે ખાસ એજન્ટો નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરની ખાનગી હોસ્પિટલોમાં હાર્ટ કરતા ઓર્થોપેડિક તથા સર્જરી ડિપાર્ટમેન્ટના ઓપરેશન વધુ થાય છે. એજન્ટો સિવિલના તબીબોના સંપર્કમાં હોય છે અને ત્યાં દર્દીઓને અહીં સેવા સારી નથી,ખાનગી હોસ્પિટલમાં ખ્યાલ ધ્યાન રાખવામાં આવશે અને રૃપિયા તો ત્યાં પણ ક્યાં ખર્ચવાના થાય છે તેવું સમજાવીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. જ્યાં દર્દીને જરૃર છે કે નહીં તેની ચિંતા કર્યા વગર સર્જરી કરી દેવામાં આવે છે અને આ સર્જરી માટે સિવિલનો અભિપ્રાય મેળવવાનો હોય છે તે પણ આ એજન્ટો પહેલેથી જ મેળવી લેતા હોય છે. એટલુ જ નહીં, એજન્ટો જ પોતાની સાથે ખાનગી હોસ્પિટલોની ફાઇલો લઇને આવતા હોય છે અને જે તે વિભાગના ડોક્ટરને કાગળીયા બતાવીને તેના ઉપર અધિકારીની ક્રોસ સહી પણ લઇ લેતા હોય છે.સિવિલમાં ખાનગી હોસ્પિટલોના આ એજન્ટોના આંટાફેરા વધી ગયા છે ત્યારે ખ્યાતી કાંડ જેવો કાંડ અહીં બને તો નવાઇ નહીં.

ગાંધીનગરમાં ઓર્થો. તથા સર્જરીના દર્દીઓ માટે હોસ્પિટલોની જાળ

ગાંધીનગર મેડિકલ ક્ષેત્રે એટલો વિકાસ થયો નથી. અહીં ખાનગી હોસ્પિટલોમાં પણ સુપર સ્પેશ્યાલીટી સેવા મળવી મુશ્કેલ છે અહીંની ખાનગી હોસ્પિટલોમાં  કિડની, હાર્ટ, લીવર સહિતનીમોટી બિમારીઓની સારવાર થઇ શક્તી નથી.જેથી સ્ટેન્ટ મુકવા જેવી પ્રવૃત્તી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલોમાં ઓછી થાય છે જો કે, બીજીબાજુ ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઓર્થોપેડિક તથા સર્જરીને લગતી ઘણી હોસ્પિટલો ફુલી ફાલી છે. આ હોસ્પિટલો પણ ખ્યાતી હોસ્પિટલની જેમ દર્દીઓ શોધવા મેળવવા માટે રીતસરની જાળ બિછાવે છે. એજન્ટો રાખીને સિવિલ સહિત ટ્રસ્ટની હોસ્પિટલોના તબીબો સાથે સપર્કમાં રહે છે અને ત્યાંથી દર્દીઓને પીએમજેએવાય યોજનાની લાલચ આપીને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લાવે છે. જ્યાં દર્દીને જરૃર ન હોય તો પણ ઓપરેશન કરી દેવામાં આવે છે અને એજન્ટો દ્વારા જ તમામ વ્યવહાર કરવામાં આવે છે. 


Google NewsGoogle News