રેશનકાર્ડને લગતી કામગીરી કરતા શહેરના છ ઝોનલ ઓફિસરોને મામલતદારના તાબામાં મૂકાયા
પુરવઠાની ઝોનલ ઓફિસના નાયબ મામલતદારોએ હવે ગ્રામ્યની માફક મામલતદારને રિપોર્ટ કરવાનો રહેશે
વડોદરા, તા.2 રેશનકાર્ડ સહિતની વિવિધ કામગીરીઓ માટે કાર્યરત પુરવઠા વિભાગના તાબામાં આવેલી ઝોનલ કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને હવે મામલતદાર કચેરી હેઠળ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં કુલ ૬ ઝોનલ કચેરીઓ કાર્યરત છે અને તેમાં વહીવટી તંત્રના નાયબ મામલતદારો ફરજ બજાવે છે. આ નાયબ મામલતદારો દ્વારા તેમના કાર્ય વિસ્તારમાં નવા રેશનકાર્ડ, વિભાજન, નામ ઉમેરો કરવા અને કમી કરવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ કાઢવા સહિતની કામગીરી કરવામાં આવે છે. તેની સાથે આ નાયબ મામલતદારો દ્વારા ઝોનલ વિસ્તારની વાજબી ભાવની દૂકાનોની ચકાસણી અને મોનિટરિંગ કરવામાં આવે છે. હાલમાં આ સમગ્ર કામગીરી જિલ્લા પુરવઠા અધિકારીના નિયંત્રણ હેઠળ કરવામાં આવે છે.
કલેક્ટર દ્વારા કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, નાગરિકોને રેશનકાર્ડને લગતી વિવિધ સેવાઓ સમયસર મળી રહે, ડિજિટલ ગુજરાત પોર્ટલ હેઠળની અરજીઓનો સમયસર નિકાલ થાય તે ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ નાયબ મામલતદારોને હવેથી મામલતદારોના હવાલે મૂકવામાં આવ્યા છે. ઝોન ઓફિસર એક અને બે તેમજ ત્રણને પૂર્વ, ઉત્તર, દક્ષિણ તથા પશ્ચિમ મામલતદાર, ઝોનલ ઓફિસર ચારને પૂર્વ મામલતદાર, ઝોનલ ઓફિસર પાંચને ઉત્તર મામલતદાર તથા ઝોનલ ઓફિસર છને દક્ષિણ મામલતદારના હવાલે મૂકવામાં આવ્યા છે. ઉક્ત કામગીરીનું નિયંત્રણ હવે સંબંધિત મામલતદાર હેઠળ આવશે. જો કે સમગ્ર કામગીરીનું મોનિટરિંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.