સિટિ, વાડી અને કપુરાઇ પોલીસે મહિલાને ધક્કા ખવડાવ્યા
૬૫ વર્ષની સિનિયર સિટિઝન મહિલાને પોલીસનો કડવો અનુભવ
ચાર કલાક સુધી રઝળપાટ કરાવી : ગુનો નોંધવા પોલીસની આનાકાની
વડોદરા,વિધવા સહાયના નામે નવાબજાર વિસ્તારમાં રહેતી સિનિયર સિટિઝન મહિલાની સોનાની બંગડીઓ ઠગ મહિલાએ પડાવી લીધી હતી. જે અંગે સિનિયર સિટિઝન મહિલાએ સિટિ, વાડી અને કપુરાઇ પોલીસે ગોળ ગોળ ફેરવી હતી અને ગુનો અમારી હદમાં નથી બન્યો તેવું કહીને ધક્કા ખવડાવ્યા હતા. એક તરફ પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને સહાયરૃપ થવા માટે અવાર - નવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પરંતુ, પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમની સૂચનાને પણ ઘોળીને પી ગયો છે.
નવાબજાર વોર્ડ ઓફિસ નજીક રહેતા ટેક્સ કન્સલ્ટન્ટ હરિશ અજમેરીએ જણાવ્યું હતું કે, મારી માતાની ઉંમર ૬૫ વર્ષની છે. તેઓને ડાયાબિટીસ છે અને જમનાબાઇ હોસ્પિટલમાં તેઓ રેગ્યુલર ચકાસણી માટે જાય છે. આજે સવારે પણ મારી માતા જમનાબાઇ હોસ્પિટલમાં ગયા હતા. ડોક્ટરને બતાવી તેઓ ઘરે પરત આવવા માટે રિક્ષામાં બેસતા હતા. તે દરમિયાન એક ઠગ મહિલા તેઓને મળી હતી. આ ઠગ મહિલાએ મારી મમ્મીની ફાઇલ જોઇને કહ્યું કે, માસી સરકારની હમણા સ્કીમ ચાલી રહી છે. મેડિકલ માટે દર મહિને ૩,૫૦૦ રૃપિયા ચૂકવે છે. ત્યારબાદ ઠગ મહિલાએ અમારા વિસ્તારમાં રહેતી અન્ય મહિલાઓના નામ જણાવી કહ્યું કે, અમે તેઓને પણ મદદ કરી છે. અમારા વિસ્તારમાં રહેતી મહિલાઓના નામ તેણે આપતા મારી માતાને તેની વાતો પર વિશ્વાસ આવ્યો હતો. ઠગ મહિલાના કહેવા મુજબ મારી મમ્મી તેની સાથે રિક્ષામાં બેસીને સોમા તળાવ ગઇ હતી.ઠગ મહિલાએ નીચે આવીને મારી મમ્મીને કહ્યું કે, માસી તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા પડશે. ત્યારબાદ મારી મમ્મીને લઇને તે મહિલા એક ફોટો સ્ટુડિયોમાં લઇ ગઇ હતી. જ્યાંથી તે મારી મમ્મીની સોનાની બંગડીઓ લઇને ફરાર થઇ ગઇ હતી.
આ ઘટના બાદ હું અને મારી મમ્મી ફરિયાદ કરવા માટે સિટિ પોલીસ સ્ટેશન ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે, તમે માંડવીથી રિક્ષામાં બેઠા છો. એટલે વાડી પોલીસ સ્ટેશનની હદ લાગે. તમે વાડી પોલીસ સ્ટેશન જાવ. અમે વાડી પોલીસ સ્ટેશન ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે, બંગડીઓ સોમા તળાવ પાસે પડાવી લીધી છે. ગુનાનું સ્થળ કપુરાઇ પોલીસ સ્ટેશનની હદમાં છે. તમે કપુરાઇ પોલીસ સ્ટેશન જાવ. જેથી, અમે કપુરાઇ પોલીસ સ્ટેશન ગયા હતા. કપુરાઇ પોલીસે અમને કહ્યું કે, ગુનાની શરૃઆત સિટિ પોલીસ સ્ટેશનની હદમાં થઇ છે. જેથી, અમે ફરીથી સિટિ પોલીસ સ્ટેશન ગયા હતા. અમે ચાર કલાક સુધી રઝળપાટ કરી હોવાછતાંય અમારી ફરિયાદ કોઇએ લીધી નથી.
તમને પૈસા પાત્ર માની સહાય નહી ઁઆપે તેવું કહી બંગડીઓ કઢાવી લીધી
વડોદરા,હરિશ અજમેરીએ જણાવ્યું હતું કે, ઠગ મહિલાએ મારી મમ્મીને કહ્યું કે, તમે હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાંખો. તે લોકો જોશે તો તમને પૈસા પાત્ર માનીને સહાય નહીં આપે.
ઠગ મહિલાની વાતોમાં આવીને મારી માતાએ બંગડીઓ કાઢીને તેને આપી દીધી હતી. ફોટા પાડયા પછી ઠગ મહિલાએ ૫૦૦ રૃપિયાની નોટ આપી હતી. પરંતુ, સ્ટુડિયો વાળા પાસે છુટ્ટા ન હોઇ તેણે છુટ્ટા પૈસા આપવાનુ ંકહેતા ઠગ મહિલા છુટ્ટા કરાવવાના બહાને બહાર નીકળી રફુચક્કર થઇ ગઇ હતી.