વડોદરાના નાગરિકો નવી આકારણી માટે ઓનલાઇન અરજી કરી શકશે, મિલકત વેરાના બિલ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
વડોદરાના નાગરિકો નવી આકારણી માટે ઓનલાઇન અરજી કરી શકશે, મિલકત વેરાના બિલ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે 1 - image


- ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં વડોદરા કોર્પોરેશન પ્રથમ

વડોદરા,તા.15 માર્ચ 2024,શુક્રવાર

હવેથી કરદાતા પોતાની મિલકતની નવી આકારણી કરાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે અને મિલકતવેરાના બિલ બાબતે સેલ્ફ એસેસમેન્ટ કરી વેરા બિલની રકમ પણ જાણી શકશે. ગુજરાતના આઠ મહાનગરમાં વડોદરા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં સૌપ્રથમ છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ હતી કે ટેક્સની સુવિધા લોકોને સરળ બનાવવી. નાગરિકો માટે કોર્પોરેશનને લગતી કાર્યવાહી સરળતાથી થઈ શકે, લોકો કોર્પોરેશનની સુવિધાઓ નો વધુને વધુ ઓનલાઇન ઉપયોગ કરતા થાય, કોર્પોરેશનની ઓફિસે લોકોને ધક્કા ન થાય તે ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવા કહ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા સરકારને જણાવાયું હતું કે બે મહિનામાં આ સુવિધા ઉભી કરી દેવામાં આવશે. કોર્પોરેશને ટેન્ડર પ્રક્રિયા કરીને સંસ્થાઓને બોલાવી હતી અને જેમાંથી પસંદગી થયેલી સંસ્થાનો પ્રોગ્રામ આ નવી સિસ્ટમ માટે દાખલ કરવામાં આવ્યો છે. સેલ્ફ એસેસમેન્ટ તેમજ નવી આકારણીની અરજી ઓનલાઈન કરી શકાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા આ નવી સુવિધા કરદાતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનો વધુમાં વધુ ઉપયોગ કરી લાભ લેવા કોર્પોરેશન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ તથા નવી આકારણીની અરજી ઓનલાઈન કરવા કોર્પોરેશનની વેબસાઈટ પર કરદાતાએ જવાનું રહેશે. વેબસાઈટ પર સેલ્ફ એસેસમેન્ટ પોર્ટલ ક્લિક કરીને આકારણી માટે વિગતો ભરીને એપ્લિકેશન કરવાની રહેશે .એપ્લિકેશન પછી તેનો કામચલાઉ નંબર અપાશે. કરદાતાએ જે કંઈ વિગત ભરી છે તે યોગ્ય છે કે કેમ તે વેરીફાઇ કરવા અધિકારી અરજી કરનારના ઘરે જઈને તપાસ કરશે, જરૂર જણાશે તો ડેટા સુધારવામાં આવશે. બધું ફાઈનલ થયા બાદ પ્રિન્ટ અપાશે.


Google NewsGoogle News