સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે વડોદરાના ફતેગંજમાં બે કલાક વીજ સપ્લાય ખોરવાતા નાગરિકો હેરાન
Power Cut in Vadodara : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી, ખાસ કરીને ઉનાળામાં, વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટના છેલ્લા અનેક દિવસોથી બની રહી છે. કલાકો સુધી વીજ પુરવઠામાં વિક્ષેપ ઊભો થતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે. અગાઉ આવી પરિસ્થિતિ ક્યારેય ઊભી થઈ ન હતી. તો હવે સ્માર્ટ મીટરને લઈને થતા વિરોધનો વીજ કંપનીના કર્મચારીઓ જાણે નાગરિકો સાથે બદલો લઈ રહ્યા હોય તેવી ચર્ચા એરણે છે.
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં વીજ પુરવઠાની સુવિધાથી અગાઉ નાગરિકો સંપૂર્ણ સંતુષ્ટ હતા. પરંતુ છેલ્લા બે મહિનાથી ગમે ત્યારે વારંવાર કલાકો સુધી વીજ સપ્લાય બંધ થઈ જતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે. અહીંના રહીશોનું જણાવવું છે કે, અગાઉ ફતેગંજમાં આવી રીતે આડેધડ ક્યારેય વીજ પુરવઠામાં વિક્ષેપ ઊભો થતો ન હતો. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં એમજીવીસીએલએ અવારનવાર વીજ સપ્લાય બંધ કરી દેવાથી અનેક નાગરિકો હેરાન થઈ રહ્યા છે. આજે સવારે પણ એમજીવીસીએલ દ્વારા ફતેગંજના પત્રકાર સોસાયટી, શ્રીરંગ સોસાયટી, દીપક નગર સહિતના વિસ્તારોમાં સવારે 07:20 કલાકે ઓચિંતો બંધ કરાયેલો વીજ પુરવઠો 9:20 બાદ પુનઃ આવ્યો હતો. જેથી બે કલાક નાગરિકો ગરમીમાં શેકાયા હતા. એમજીવીસીએલના કર્મચારીઓનો સંપર્ક કરાતા હંમેશાની જેમ તેઓએ સ્પષ્ટ યોગ્ય કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. જે નાગરિકોને જવાબ મળ્યો હતો તેઓને પણ જાણે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. નાગરિકોએ જણાવ્યું હતું કે, જ્યારે પણ ફતેગંજ એમજીવીસીએલનો સંપર્ક ફોન ઉપર કરીએ છીએ તો તેઓ જેટલો સમય વીજ પુરવઠો બંધ રહેવાના છે તેના કરતાં અલગ જ સમય કહેતા હોય છે અને છેવટે નાગરિકો હેરાન થઈ રહ્યા છે. અગાઉ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવાનો હોય તો એસએમએસ દ્વારા ગ્રાહકોને જાણ કરાતી હતી, હવે ઘણી વખત આવો સંદેશો પણ અપાતો નથી. આજે અઘોષિત સ્ટેગરિંગ હોય તેમ જાણ કર્યા વિના બે કલાક વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો.