થોડા દિવસોમાં જ સરકાર ઝૂકી ગઇ દસ્તાવેજ તૈયાર કરનારાની વિગતો આપવાનો પરિપત્ર રદ કરી દેવાયો
દસ્તાવેજ તૈયાર કરનારાની જવાબદારી સરકારે ફિક્સ કરતાં વિરોધ થયો અને સરકારે નમવું પડયું
વડોદરા, તા.19 તા.૧ એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો પરિપત્ર ગણતરીના દિવસોમાં દૂર કરી દેવાયો છે. અગાઉના પરિપત્ર મુજબ દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું હતું જે અંગેની સૂચના રદ કરી દેવાની ફરજ સરકારે પડી છે.
ઉલ્લેખનીય છે કે દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવાની જોગવાઇ કરવામાં આવી હતી. આ જોગવાઇમાં સુધારો કરી તા.૭ માર્ચના રોજ ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે હવે તા.૧ એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ પરિપત્રનો વિરોધ થયો હતો અને દસ્તાવેજ તૈયાર કરનારાઓ દ્વારા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી હતી જેના આધારે સરકારે આખરે નમવું પડયું હતું અને દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું અને વ્યવસાય તેમજ મોબાઇલ નંબર આપવાનું ફરજિયાત હતું તેને રદ કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજ નોંધણી માટેના નવા સુધારા માટેનો નવો પરિપત્ર તાબડતોબ સરકાર દ્વારા આજે જાહેર કરી દેવાયો હતો.
દસ્તાવેજ તૈયાર કરનાર સજાપાત્ર છે તે મુદ્દો પણ દૂર કરી દેવાયો
દસ્તાવેજની નોધણી માટે દસ્તાવેજ તૈયાર કરનારાઓની વિગતો પણ આપવાની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેનો વિરોધ થતાં આખરે તે જોગવાઇ રદ કરી દેવામાં આવી છે એટલું જ નહી પરંતુ દસ્તાવેજમાં સહી કરનાર તેમજ તેની તૈયારીમાં ભાગ લેનાર બંને સજાપાત્ર છે તેવી જોગવાઇ અમારી જાણમાં છે તેનો ઉલ્લેખ હતો તેમાં પણ સુધારો કરી દસ્તાવેજ કરી આપનાર તથા દસ્તાવેજ કરી લેનાર બંને સજાપાત્ર છે તેવી જોગવાઇ અમારી જાણમાં છે તેવો સુધારો કરી દસ્તાવેજ તૈયાર કરનારને તમામ જવાબદારીઓથી મુક્ત કરી દેવામાં આવેલ.