પાદરા તાલુકાની બે કંપનીઓ સાથે રૃા.૮૩.૭૪ કરોડની છેતરપિંડીના કેસની તપાસ આખરે CIDને સોંપાઇ
કરોડોની ઠગાઇના કેસમાં નોઇડાના ભેજાબાજની પણ ધરપકડ થઇ હતી ઃ સીઆઇડીની તપાસમાં અનેક ભેદ ખૂલવાની શક્યતા
વડોદરા, તા.9 પાદરા તાલુકામાં આવેલી બે કંપનીના એકાઉન્ટમાંથી રૃા.૮૩.૭૪ કરોડ ઓનલાઇન બારોબાર ઉપાડી લઇ કંપની સાથે કરેલી છેતરપિંડીના કેસની તપાસ આખરે સીઆઇડી ક્રાઇમની ઇકો સેલને સોંપવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નારાયણ પાવરટેક કંપની તેમજ એમ્ટ્રોન મેગ્રીટીક્સ પ્રા.લી. કંપનીમાં ફરજ બજાવતા મોનલ પ્રજેશકુમાર પરીખ સામે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં મોનલે કંપનીના બેંક એકાઉન્ટમાંથી પોતાના ત્રણ બેંક એકાઉન્ટમાં રૃા.૮૩.૭૪ કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા અને કંપનીના વાર્ષિક ઓડીટમાં પકડાઇ ના જાય તે માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હતાં. પોલીસે આ કેસમાં મોનલ પરીખની ધરપકડ કરી વિગતો મેળવતાં કેટલાંક શખ્સો દ્વારા પોતાને બદનામ કરવામાં આવતા હતા અને તેમને પૈસા આપવા માટે કંપનીના એકાઉન્ટમાંથી પૈસા મેળવી તે શખ્સો દ્વારા દર્શાવેલા વિવિધ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો તેમ પોલીસને જણાવ્યું હતું.
પાદરા પોલીસે બાદમાં આ કેસમાં સંડોવાયેલા જીતેન્દ્ર બાબુ શ્રીરામશરણ બાબુ (રહે.પારસ સિઝન્સ, નોઇડા)ની પણ ધરપકડ કરી બંને સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દરમિયાન સાયબર ક્રાઇમ સહિત અનેક પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા હોવાથી આ કેસને સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાની ભલામણ કરાઇ હતી જેના પગલે સીઆઇડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા આ કેસને સીઆઇડીના આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં આ કેસમાં અનેક ભેદો ઉકેલાય તેવી શક્યતાઓ છે.