વધુ ભાવના કારણે ક્લોરીનેશન પ્લાન્ટનું કામ મુલતવી રાખ્યું : ડ્રેનેજના કામોમાં વડોદરા કોર્પોરેશન વધારાના રૂ.4.85 કરોડની માનીતા કોન્ટ્રાક્ટરોને લહાણી કરશે
વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા કોર્પોરેશનના જુના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીનેશન પ્લાન્ટ લગાવવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ હુકમ કર્યા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક્શનમાં આવી 10 થી વધુ વખત કોર્પોરેશનને નોટિસ આપી પેનલ્ટી કરવા જણાવ્યું છે ત્યારે સ્થાયી સમિતિમાં ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરીનેશન પ્લાન્ટનું કામ વધુ ભાવ હોવાને કારણે સતત બે વખતથી મુલતવી કરી દેવામાં આવે છે ત્યારે હવે સ્થાયી સમિતિમાં
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા ડ્રેનેજ અને એપીએસ બનાવવાના પાંચ કામમાં કોન્ટ્રાક્ટરોને વધારાના રૂ.4.85 કરોડ જેવી માતબર રકમની લાહણી કરી દેવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહે છે કે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ શું નિર્ણય કરે છે.
વડોદરા શહેરના નવા સમાવિષ્ટ વિસ્તારો અને જૂની થઈ ગયેલી ડ્રેનેજ લાઈનોના સ્થાને નવી ડ્રેનેજ લાઈન નાખવાના કુલ 51.86 કરોડના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં પાંચ કામમાં અંદાજ કરતા વધુ ભાવના ટેન્ડરો રજૂ થયા છે. જેથી વિવાદ સર્જાયો છે કે વધુ ભાવને કારણે ફ્લોરિનેશન પ્લાન્ટ બનાવવાના કામો મુલતવી કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે એપીએસ અને ડ્રેનેજ નાખવાના વધુ ભાવના ટેન્ડરો ભાજપની સંકલન સમિતિ મંજૂર કરી દઈ માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપશે તેમ માનવામાં આવે છે.
સ્થાયી સમિતિમાં રજૂ થયેલા સેવાસી કેનાલ થી શેરખી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામે ઇજારદાર આકાર કન્સ્ટ્રક્શન કંપનીએ ટેન્ડર ભર્યું છે. જેમાં અંદાજિત રૂપિયા 27.96 કરોડના સ્થાને 4.77% વધુ ભાવના રૂપિયા 29.29 કરોડના ભાવનું ટેન્ડર સ્થાયી સમિતિમાં રજૂ કર્યું છે જેથી આ કામમાં રૂપિયા 1.33 કરોડ વધારાના ચૂકવવામાં આવશે.
એ જ પ્રમાણે ભાઈલી ગામ ખાતે નવીન એપીએસ 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી રાજકમલ બિલ્ડર્સને અંદાજિત રૂ.4.36 કરોડ થી 26.15% વધુના ભાવથી રૂ.5.50 કરોડની રકમના ભાવ પત્રને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. ત્યારે આ કામમાં પણ રૂ.1.14 કરોડ વધુ ચૂકવવામાં આવશે.
પાણીગેટ શાકમાર્કેટ થી ઝાલા કમ્પાઉન્ડ ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાનું કામ ભાવિન એન્ટરપ્રાઇઝને અંદાજિત રૂપિયા 2.22 કરોડથી 24.98% વધુ ભાવ મુજબ 2.77 કરોડનું કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે. જેમાં રૂ.55.48 લાખ વધારાના ચૂકવવાનો વારો આવશે.
આ ઉપરાંત નવા યાર્ડ રોડ પર સરદાર નગર સોસાયટી પાસે ટ્રેંચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવાના કામ અર્થે ઊર્મિ ટ્રેંચલેસ ટેકનોલોજી લિમિટેડને અંદાજિત રૂ.5.07 કરોડના 25.99% વધુ મુજબ રૂ.6.39 કરોડના ભાવનું ટેન્ડર રજૂ કર્યું છે જેમાં પણ રૂ.1.31 કરોડ વધારાના ચૂકવવા પડશે. જ્યારે તરસાલી નવીન સમાવિષ્ટ ટીપી સ્કીમ 52 ના વિસ્તારમાં ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્કનું કામ જે એનપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અંદાજિત રકમ રૂ.4.23 કરોડ થી 11.95% વધુ ભાવ મુજબ રૂ.4.74 કરોડના ખર્ચે આપવાનું નક્કી કરવામાં આવનાર છે જેમાં પણ રૂપિયા 50.62 લાખ વધુ ચૂકવવાના થશે તેમ જાણવા મળે છે.