કંબોડિયામાં ચાઇનીઝ ઠગોનું સામ્રાજ્ય,સાયબર ફ્રોડમાં 60 ભારતીય યુવકોનો ઉપયોગ

ઠગો સાથે છ મહિનાનો કોન્ટ્રાક્ટ રાખતા ભારત અને કંબોડિયાના એજન્ટોનો ૨૦૦૦ ડોલર કમાવવા બધો ખેલ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
કંબોડિયામાં ચાઇનીઝ ઠગોનું સામ્રાજ્ય,સાયબર ફ્રોડમાં 60 ભારતીય યુવકોનો ઉપયોગ 1 - image

વડોદરાઃ કંબોડિયામાં ઓનલાઇન ઠગાઇનું નેટવર્ક ચલાવતા ચાઇનીઝ તેમજ અન્ય વિદેશી ઠગો દ્વારાકરોડોની રકમ રળી લેવા માટે ભારતીય યુવકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાના નેટવર્કમાં ભારત અને કંબોડિયાના એજન્ટ વ્યક્તિ દીઠ ૨૦૦૦  ડોલર કમાવવા માટે બધો ખેલ કરતા હોવાની વિગતો જાણવા મળી છે.

કંબોડિયા કે વિયેતનામ જેવા દેશોમાં એજન્ટો દ્વારા નોકરીના નામે યુવકોને લઇ ગયા બાદ તેમનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવે છે.જેમાં કેટલાક લોકોને ઓટીપીનું કામ તો બીજા કેટલાકને લોન અને જુદીજુદી સ્કીમોનું કામ સોંપી લોકોને કેવી રીતે ફસાવવા તેનું કામ સોંપવામાં આવતું હોય છે.આ એજન્ટો ફ્રોડના કામની વાત છુપાવે છે.જો યુવક છ મહિના ટકી જાય તો જ ઠગો તરફથી એજન્ટને ૨૦૦૦ ડોલર મળે છે.

આધારભૂત વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,વડોદરાની એજન્સી મારફતે વિયેતનામ ગયેલા ઓરિસ્સાના યુવકને અંધારામાં રાખી કંબોડિયામાં ફ્રોડનું કામ સોંપાતા તેણે ઇનકાર કર્યો હતો.આ યુવકને મહિને ૭૦૦ ડોલર પગારની ઓફર થઇ હતી.પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી હતી.જેથી ચાઇનીઝ બોસે એજન્ટને કમિશન આપ્યું નહતું અને યુવક પાસે ખર્ચ પેટે ૨૮૨૦ ડોલરની માંગણી કરી રૃપિયા મળ્યા બાદ તેને છોડયો હતો.

આ યુવક સાથે બીજા ત્રણ ભારતીય યુવકો હતા.જ્યારે,કંબોડિયામાં આ પ્રકારના ૬૦ થી વધુ ભારતીય યુવકો નોકરી કરી રહ્યા હોવાની બિનસત્તાવાર રીતે માહિતી મળી છે.આ યુવકોમાં કેરાલાના યુવકોની સંખ્યા વધુ છે.તેઓ ફ્રોડ કરતા હોવાનું જાણે છે છતાં આ કામ માટે તૈયાર હોવાથી તેમને કોઇ કનડગત નથી.ફ્રોડની કરોડોની રકમ ચાઇનીઝ બોસ  બીજા દેશોના ખાતામાંથી વગે કરતો હોવાની પણ વિગતો જાણવા મળી છે.

યુવકોને ગોંધી રાખી ત્રાસ ગુજારવાના પ્રકરણની તપાસ પર NIA ની નજર

કંબોડિયાની ઠગ ટોળકી દ્વારા ભારતીય યુવકોનો છેતરપિંડી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાના ચોંકાવનારા પ્રકરણ પરથી પડદો ઉંચકનાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ ફરી એક વાર આ પ્રકરણની તપાસના ભાગરૃપે વડોદરા આવે તેવી સંભાવના છે.

વડોદરાની એજન્સીએ મોકલેલા  યુવકે ફ્રોડનું કામ કરવાનો ઇનકાર કરતાં તેની પાસેથી ખર્ચ પેટે ૨૮૨૦ ડોલરની માંગણી કરી તે રૃપિયા ના મળ્યા ત્યાં સુધી તેને ગોંધી રાખવામાં આવ્યો હતો.આ યુવકને છોડતાં જ તેણે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

પીઆઇ આર જી જાડેજાએ એજન્સીના એમડી મનિષ હિંગુની ધરપકડ કરી પૂછપરછ કરતાં આ કેસમાં બિહારનો ક્રિષ્ણા ઉર્ફે સત્યમ અનિરૃધ્ધ પાઠક અને વિક્કી મુખ્ય સૂત્રધાર હોવાની માહિતી બહાર આવી છે. જેથી તેમના મારફતે કેટલા લોકોને મોકલવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.એનઆઇએની ટીમ પણ તપાસ પર નજર રાખી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય યુવકને નવો મોબાઇલ અને વિયેતનામ અને થાઇલેન્ડના સિમકાર્ડ આપેછે

પોલીસથી બચવા માટે ઓનલાઇન ઠગો દ્વારા ભારે સતર્કતા રાખવામાં આવતી હોવાની માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા જે યુવકોને નોકરીએ રાખવામાં આવે છે તેમના પર નજર પણ રાખવામાં આવે છે.તેમને પોતાનો મોબાઇલ ઉપયોગ કરવા દેતા નથી.પરંતુ નવો મોબાઇલ આપવામાં આવે છે.

આ મોબાઇલમાં મોટા ભાગે વિયેતનામ અને થાઇલેન્ડના સિમકાર્ડ નાંખવામાં આવતા હોય છે.ઠગાઇનું નેટવર્ક ચલાવતો બોસ બે-ત્રણ મહિને એક વાર આવતો હોયછે.યુવકો પર નજર રહે તે માટે રહેવા-જમવાની સવલત તેમજ જે લોકો કમાવી આપતા હોય તેમને આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે.


Google NewsGoogle News