માઈગ્રેટરી બર્ડસને તળાવ સુધી ફરી ખેંચી લાવવાનો નાના બાળકોનો પુરુષાર્થ
વડોદરાઃ શહેર નજીકના ભાયલી ગામના વણકરવાસમાં રહેતા અને ધોરણ ચારથી આઠમાં અભ્યાસ કરતા બાળકોનુ એક ગુ્રપ વણકરવાસ પાસે આવેલા નાનકડા તળાવને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે.બાળકોના પ્રયત્નોના કારણે ગયા વર્ષે તળાવથી દુર થઈ ગયેલા માઈગ્રેટરી બર્ડ આ વર્ષે પાછા પણ આવી રહ્યા છે.
આ તળાવમાં ઠલવાતુ ગંદી પાણી અને કચરો દુર થાય તે માટે બાળકોએ વડોદરાના પર્યાવરણ પ્રેમી હિતાર્થ પંડયાની મદદથી છેલ્લા બેએક વર્ષથી તળાવની સફાઈનુ અભિયાન હાથ ધર્યુ છે.તળાવની સફાઈ કરવામાં આવે તે માટે બાળકો પોતે પ્રયત્ન કરવાની સાથે સાથે સંખ્યાબંધ વખત તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી ચુકયા છે.આખરે તેમની રજૂઆત રંગ લાવી હતી અને તંત્રે બે મહિના પહેલા મશિનરીની મદદથી તળાવની સફાઈ કરીને તેના પર ઉગેલી વનસ્પતિ દૂર કરી હતી.
તેમના મેન્ટર હિતાર્થ પંડયા કહે છે કે, અગાઉ શિયાળાના આગમન સાથે ૮૦ થી ૯૦ પ્રકારની પ્રજાતિના માઈગ્રેટરી બર્ડ આ તળાવમાં આવતા હતા.પણ ભારે ગંદકીના કારણે ગયા વર્ષે અહીંયા આવનારા પક્ષીઓની સંખ્યા નહીવત થઈ ગઈ હતી.જોકે તળાવની સફાઈ થઈ હોવાથી આ વર્ષે પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા રોકાણ કરે તેમ લાગી રહ્યુ છે.કેટલાક પક્ષીઓના આવવાની શરુઆત થઈ ગઈ છે.
આ બાળકોને વડોદરાના પક્ષી નિષ્ણાત ડો.રાહુલ ભાગવત, બોટનીના જાણકાર જિતેન્દ્ર ગવલી તેમજ જીવ જંતુ અને પતંગિયાના જાણકાર સુવર્ણ સોનવણે પણ પ્રશિક્ષણ આપી ચુકયા છે.બાળકો હવે પક્ષીઓની ફોટોગ્રાફી પણ કરે છે.તેમને ત્રણ કેમેરા પણ ગિફ્ટમાં મળ્યા છે.
પક્ષી નિષ્ણાત ડો.સલીમ અલીના જન્મ દિવસની ઉજવણી કરી
ઘણા ચાહકો તેમના ફેવરિટ ક્રિકેટર કે સુપર સ્ટારના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આજે શહેરના છેવાડે આવેલા ભાયલી ગામના વણકરવાસના ૧૦ જેટલા બાળકોએ દેશના જાણીતા પક્ષી નિષ્ણાત ડો.સલીમ અલીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.આ બાળકો પક્ષીઓની ૧૦૦ જેટલી પ્રજાતિઓની ઓળખ આસાનીથી કરી શકે છે.આજે તેમણે દેશના ટોચના પક્ષી વિદ્માં સ્થાન પામતા ડો.સલીમ અલીના જન્મ દિવસની કેક કાપીને ઉજવણી કરી હતી.