મતદાન જાગૃતિ અભિયાન: વડોદરાના બાળકોએ માનવ સાંકળ રચી હાથ અને આંગળી પર લગાડવામાં આવતા શાહીની પ્રતિકૃતિ બનાવી
Lok Sabha Election 2024 : 18મી લોકસભાની 7મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટીમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા બેઠકની સાત વિધાનસભા મત વિસ્તારમાં શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.
લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઇપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાની મકરપુરા વિસ્તારની એક શાળા ખાતે 1500 જેટલા વિધાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ લગાવવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હોય તે પ્રમાણે બાળકોએ ઉભા રહી હાથ અને આંગળી પર લગાડવામાં આવેલું ટપકુંની પ્રતિકૃતિની સાથે સાથે માનવ સાંકળ યોજી આકર્ષણ જમાવ્યું હતું.
આ રીતે વિધાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. જે અંગે જમીન સુધારણા ડેપ્યુટી કલેક્ટર અમિત પરમારએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મતદાન જાગૃતિ અંગે લોકસભાની વડોદરા લોકસભાની બેઠક પર વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે દરેક વિધાનસભા મત વિસ્તારમાં માનવ સાંકળ સહિતના વિવિધ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.