નકલી સિંચાઇ કચેરીનું કૌભાંડ ચિલરવાંટ ગામે ચેકડેમ બનાવ્યો નથી અને રૃા.૯.૯૫ લાખ મેળવી લીધા

છોટાઉદેપુર જિલ્લામાં ૯૩ કામોમાં નકલી સિંચાઇ કચેરીએ ગ્રાન્ટ મેળવી અને ચાઉં કરી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
નકલી સિંચાઇ કચેરીનું કૌભાંડ  ચિલરવાંટ ગામે ચેકડેમ બનાવ્યો નથી અને રૃા.૯.૯૫ લાખ મેળવી લીધા 1 - image

નસવાડી તા.૧ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતેની નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામે કાનવાડી કોતર ઉપર ચેકડેમના કામના નાણાં લીધા છે તે સ્થળ ઉપર નવું કોઈ કામ જ નથી અને જૂના ચેકડેમને બતાવી રૃા.૯.૯૫ લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

નકલી સરકારી કચેરી, નકલી અધિકારી કૌભાંડ બાદ હવે કામો પણ નકલી તપાસમાં બહાર આવ્યા છે. ૯૩ કામો દર્શાવી આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી રૃા.૪.૧૫ કરોડનો ચૂનો સરકારી તિજોરીને ચોંપડાયો છે, તે પૈકી એક કામનો ખુલાસો બહાર આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામે કાનવાડી કોતર ઉપર ચેકડેમ બનાવ્યો હોવાનું જણાવી રૃા.૯.૯૫ લાખનું બિલ આ નકલી સરકારી સિંચાઈ કચેરીએ બનાવી તેને પાસ પણ કરાવી દીધું હતું.

ગામના સરપંચના જણાવ્યા મુજબ કાનવાડી કોતર ઉપર જે ચેકડેમનું અસ્તિત્વ છે તે છ વર્ષ પહેલાં બન્યો  હતો પરંતુ હાલ જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં વર્ષ ૨૦૨૧-૨૨માં આ ચેકડેમનું બિલ પાસ કરવામાં આવ્યું છે એટલે કે જૂના કામ ઉપર જ બીજી વખત રૃા.૧૦લાખ જેટલું બિલ પાસ કરાવી ઉચાપત કરી છે. સરકારની કોઈ જ પ્રક્રિયાનો અહીં અમલ થયો હોય તેમ લાગતું નથી ના તો કામ મંજૂર કરતા પહેલા કોઈએ સ્થળ વિઝીટ કરી ના તો કામ પૂર્ણ કર્યા બાદ કોઈ મુલાકાત કરી અને નકલી કચેરીના નકલી બિલો સીધેસીધા પાસ થઈ ગયાં. આ તો એકમાત્ર કામની વાત છે આવા તો ૯૩ કામ આ નકલી સરકારી કચેરીએ કર્યા છે.




Google NewsGoogle News