MSUના પદવીદાન સમારોહમાં CJI હાજર રહેશે, એક દિવસ પહેલા નામની જાહેરાત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૨મો પદવીદાન સમારોહ યોજાય તેના એક દિવસ પહેલા આખરે આ સમારોહના ચીફ ગેસ્ટના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટીના કહેવા પ્રમાણે તા.૪ ફેબુ્રઆરી, રવિવારે સવારે નવ વાગ્યે યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે સવારે નવ વાગ્યાથી સમારોહનો પ્રારંભ થશે.જેમાં ચીફ ગેસ્ટ તરીકે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડો. ડી વાય ચંદ્રચૂડ હાજર અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ડિસ્ટિંગ્યુશ ગેસ્ટ તરીકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપશે.
પદવીદાન સમારોહ માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ચાલી રહેલી તૈયારીઓના ભાગરુપે અલાયદી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની સામે એનસીસી ગ્રાઉન્ડ પર પાર્કિંગ ગોઠવવામાં આવ્યુ છે.જ્યારે સ્ટાફ અને વીઆઈપી પાર્કિંગ સ્ટેશન તરફથી બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ક્રેડિટ સોસાયટી પાસે રાખવામાં આવ્યુ છે.
સમારોહ સ્થળે વિદ્યાર્થીઓને અગવડ ના પડે તે માટે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને વોલિએન્ટર તરીકે તૈનાત કરવામાં આવશે.સમારોહ સ્થળ પર એલઈડી સ્ક્રીન મુકાશે.સાથે સાથે યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓને પરંપરાગત ભારતીય પરિધાન ધારણ કરીને સમારોહમાં આવવા માટે અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે, સમારોહ સાથે સંકળાયેલા અધ્યાપકો માટે તો પહેલેથી જ ભારતીય પરંપરા પ્રમાણેના ડ્રેસકોડની જાહેરાત કરાયેલી છે.