વડોદરાના વિવિધ વિસ્તારમાં કેરીના તંબુઓ ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ
Food Checking in Vadodara : ઉનાળાની ઋતુમાં શહેરના રાજમાર્ગો પર આડેધડ, પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના, ઘણી જગ્યાએ ઊભા થઈ ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ બે ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડા પીણા, કેરીના રસ સહિતનું વેચાણ વધી જાય છે. જેના કારણે અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મંજૂરી વિના આડેધડ તંબુ ઠોકી બેસાડવામાં આવ્યા છે. કેરીના તંબુ ખાતે ઘણી વખત કેરીના રસના નામે પપૈયા તેમજ અન્ય પદાર્થનું ભેળસેળ કરી વેચવામાં આવે છે. આ બધી બાબતથી જાણકાર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હવે મોડે મોડે ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. મ્યુન્સિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરની બે અલગ અલગ ટીમો દ્વારા વિવિધ વિસ્તારના કેરીના તંબુ ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર હોય આવા તંબુમાંથી સેમ્પલ લીધા છે. ચેકિંગ દરમિયાન જ્યાં અખાદ્ય પદાર્થ જણાય તેનો નાશ કરવામાં આવ્યો છે અને જો સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન હોય તો શિડ્યુલ4 અંતર્ગત નોટીસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ ચેકિંગનો ધમધમાટ યથાવત રહેશે.