મોબાઈલ ટેસ્ટિંગ વેન દ્વારા આઇસ્ક્રીમ સહિત ખાદ્ય પદાર્થોનું ચેકિંગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ એટલે કે મોબાઈલ ટેસ્ટિંગ વેન દ્વારા શહેરના રાજમહેલ રોડ થી કીર્તિ સ્તંભ સુધીના વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું .જેમાં ખાસ તો આઈસ્ક્રીમની દુકાનો ,લસ્સી અને બરફ ગોળાની લારીઓ, નાસ્તાની દુકાનો વગેરેમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આઈસ્ક્રીમ બરફ ગોળા ,નાસ્તા વગેરેના નમૂના લઇ ચેકિંગ કર્યું હતું .જોકે ચેકિંગ દરમિયાન કોઈમાં સિન્થેટિક રંગ જણાયો ન હતો. ટેસ્ટિંગ વેનમાં બે કે ત્રણ મિનિટમાં સેમ્પલ નું રીઝલ્ટ જાણી શકાય છે. જો ઊંડાણપૂર્વક નમૂનાનું ટેસ્ટિંગ કરવું હોય તો લેબોરેટરીમાં તપાસવા માટે મોકલવું પડે છે, અને તેનો રિપોર્ટ 14 દિવસે મળતો હોય છે.
ઉનાળા ના દિવસોમાં આઈસ્ક્રીમ ,બરફ ગોળા નો ઉપાડ વધી જતો હોવાથી તેમાં સિન્થેટિક રંગ વગેરે ભેળવીને લોકોના આરોગ્ય સાથે ધંધાર્થીઓ ચેડા ન કરે તેને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ વેન દ્વારા વિવિધ વોર્ડમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ તો લાલ લીલી ચટણી કે જેમાં સિન્થેટિક રંગ નાખેલ છે કે નહીં તે પણ તપાસવામાં આવ્યું હતું. મરચું પાવડર ,હળદર અને ફરસાણનું ટેસ્ટિંગ કરાયું હતું .ફરસાણ બનાવવામાં વપરાતા તેલમાં ટીપીસી વેલ્યુ તપાસવામાં આવી હતી, એટલે કે તળવામાં વાપરેલું તેલ વારંવાર ઉપયોગમાં કરવાથી તેની ટીપીસી વેલ્યુ વધી જાય છે. જે આરોગ્યને નુકસાન કરતા હોય છે .આજે કેટલાક નમુનામાં તેલની ટીપીસી વેલ્યુ વધુ હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમ જાણવા મળ્યું છે.