વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દશેરાના આગલા દિવસે ફાફડા-જલેબીનું ચેકિંગ

જલેબીમાં કેસરી રંગ, ચોખ્ખું ઘી, ફાફડાનું તેલ ખોરું કે તાજું, ઘી-તેલમાં ફંગસ વગેરેનું લેબોરેટરીમાં ટેસ્ટ થશે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  દશેરાના આગલા દિવસે ફાફડા-જલેબીનું ચેકિંગ 1 - image

વડોદરા,વડોરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દશેરાના આગલા દિવસે શહેરના વિવિધ વિસ્તારમાં ફાફડા-જલેબી વેચતી દુકાનો પર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું અને ફાફડા - જલેબીના નમૂના તપાસાર્થે લીધા હતા.

કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સુભાનપુરા, કારેલીબાગ, માંજલપુર, રાજમહેલ રોડ, નિઝામપુરા, વાઘોડિયા રોડ અને ઈલોરાપાર્ક વિસ્તારમાં ચેકિંગ કરીને ફાફડાના ૭ અને જલેબીના ૭ નમૂના લઈ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. દુકાનો બહાર બોર્ડ મારેલું હોય છે કે ચોખ્ખા ઘીની કેસરયુક્ત જલેબી, જે નમૂના લીધા હોય છે તેમાં ઘી ચોખ્ખું છે કે કેમ તેમ જ જલેબી બનાવવા માટે જે કેસરી રંગ નાખવામાં આવે છે તે નક્કી કરેલી માત્રાથી વધુ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ફાફડા વગેરે બનાવવામાં જે તેલનો ઉપયોગ કરેલો હોય છે તે તેલ ખોરું છે કે તાજું તેની તપાસ કરાય છે. હજી ત્રણ દિવસ અગાઉ જુદી જુદી દુકાનોમાં ચેકિંગ કરીને બેસન, ઘી, તેલ,જલેબી અને ફાફડાના નમૂના લીધા હતા, તેમજ ચોખ્ખા ઘીના આઠ નમૂના લેવામાં આવ્યા હતા.

તહેવારોના દિવસોમાં કરાતા ચેકિંગને લીધે લેબોરેટરી દ્વારા પણ ફૂડ એનેલિસિસની કામગીરી વેગવંતી બનાવીને તેનો રિપોર્ટ ઝડપભેર સુપરત કરી દેવાય છે, તેમ જાણવા મળ્યું છે.


Google NewsGoogle News