વડોદરામાં ધો.10 અને ધો.12 સા.પ્ર. પ્રવાહની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં ધો.10 અને ધો.12 સા.પ્ર. પ્રવાહની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી 1 - image

વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ વડોદરામાં ઉત્તરવહીઓ તપાસવા માટે ધો.૧૦ અને ધો.૧૨ના ૧૫ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરુ કરવામાં આવ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ ગઈ છે પણ ધો.૧૨ સાયન્સમાં અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી હજી ચાલી રહી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, ધો.૧૨ સાયન્સમાં અને ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકોની સંખ્યા ઓછી છે.તેમાં પણ ફિઝિક્સના પેપર તપાસવા માટે ચારેક જ ટીમ ફાળવવામાં આવી છે.જેના કારણે પેપરો તપાસવાનુ મોડુ થયુ છે પણ આ ઉત્તરવહીઓ પણ બેથી ત્રણ દિવસમાં તપાસાઈ જાય તેવી શક્યતાઓ છે.અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરામાં ધો.૧૨ સાયન્સમાં અંગ્રેજી માધ્યમમાં ઉત્તરવહી તપાસવા માટે ઓછા શિક્ષકો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.

આમ છતા સૂત્રોનુ કહેવુ છેકે, આ વખતે ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી ઘણી ઝડપી અને વહેલી રહી છે અને તેના કારણે એપ્રિલ મહિનામાં જ ધો.૧૦ અને ધો.૧૨ના પરિણામો જાહેર થઈ જાય તેવી શક્યતા છે.બોર્ડ દ્વારા આ વખતે પરિણામ વહેલુ જાહેર કરવા માટે રાજ્યમાં ૬૫૦૦૦ શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવા માટે અને પરિણામ તૈયાર કરવા માટેની ફરજ સોંપી છે અને દર વર્ષ કરતા આ સંખ્યા આ વર્ષે ત્રણ ગણી છે.આ વખતે મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા પણ વધારીને ૪૫૯ કરવામાં આવી છે.હવે વિદ્યાર્થીઓના માર્કસની ડેટા એન્ટ્રી માટેની કવાયત પણ શરુ કરવામાં આવી છે.



Google NewsGoogle News