કાપલીઓ છુપાવાતી હોવાથઈ યુનિ.ની પરીક્ષાઓમાં વોશરુમોમાં પણ સ્કવોડનું ચેકિંગ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હાલમાં ચાલી રહેલી એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓમાં કાપલીબાજ વિદ્યાર્થીઓ માટે કાપલીઓ અને પરીક્ષાલક્ષી બીજુ સાહિત્ય છુપાવવા માટે વિવિધ ફેકલ્ટીઓમાં વોશરુમ હોટ ફેવરિટ સ્થળ બની ગયા છે.જેના પગલે વિજિલન્સ સ્કવોડ દ્વારા હવે વર્ગોની સાથે સાથે વોશરુમોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે વિવિધ ફેકલ્ટીઓમાં ચાલી રહેલી એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિ પર લગામ કસવા માટે આ વખતે શરુઆતથી જ યુનિવર્સિટી સત્તાધીશોએ વિજિલન્સ સ્કવોડની રચના કરી છે.જેના કારણે પરીક્ષામાં પહેલા દિવસથી સ્કવોડમાં સામેલ અધ્યાપકો ચેકિંગ કરી રહ્યા છે.
સ્કવોડમાં સામેલ એક અધ્યાપકે કહ્યુ હતુ કે, અમારે હવે વર્ગોની સાથે સાથે વોશરુમ પણ ચેક કરવા પડે છે.કારણકે હવે કાપલીઓ અને બીજુ સાહિત્ય વિદ્યાર્થીઓ વોશરુમમાં અલગ અલગ જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં સંતાડતા થઈ ગયા છે.ફેકલ્ટીઓમાં પટાવાળાઓને પણ પરીક્ષા પૂરી થયા બાદ વોશરુમની સફાઈ કરાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે.સ્કવોડના સભ્યો પણ વોશરુમમાં જઈને ચેકિંગ કરે છે.રોજે રોજ થોકબંધ કાપલીઓ અને સાહિત્ય વોશરુમમાંથી મળી રહ્યુ છે.
વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ વોશરુમમાં આવીને કાપલીઓમાંથી કે બીજા સાહિત્યમાંથી વાંચી લેતા હોય છે અથવા તો પહેલેથી વોશરુમમાં સંતાડેલી કાપલી વર્ગમાં લઈ જઈને ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરતા હોય છે.જોકે હવે વિદ્યાર્થીઓની આ હરકત સ્કવોડના ધ્યાનમાં આવી ગઈ હોવાથી કાપલીબાજ વિદ્યાર્થીઓ માટે કપરો સમય શરુ થયો છે.