યુવતી સાથે ૧૦ લાખની ઠગાઇ કેનેડાની કોલેજની ફી ભરી દેવાના બહાને ભેજાબાજે રૃપિયા પડાવ્યા
વડોદરાના અટલાદરામાં રહેતા વિપુલ ચૌહાણે બોગસ પેઢી અને કાગળો તૈયાર કરતા ફરિયાદ
અછાલીયા તા.૩ ભરૃચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે રૃ.૧૦ લાખ ઉપરાંતની છેતરપિંડી કરનાર વડોદરાના ભેજાબાજ સામે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉમલ્લા ગામે રહેતી યાત્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે અભ્યાસ કરે છે, તેને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી કેનેડાની કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો, જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીએ વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલ જગદીશભાઇ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. વિપુલે યાત્રીને અભ્યાસની ફીના રૃ.૧૦.૧૧ લાખ ભરવાના થશે, તેમ કહીને ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન ફર્મ નામની સંસ્થાના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવાનું જણાવતા યાત્રીના પિતાએ પૈસા જમા કરાવ્યા હતાં. વિપુલે પણ જણાવ્યું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના બે લેટર મોબાઇલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતાં. જો કે બંને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું હોવાથી આ અંગે પૂછતાં વિપુલે જણાવેલ કે ફીના નાણાં પહેલા ઓસ્ટ્રેલિયામાં જમા થશે અને પછી કેનેડા જમા થશે.
દરમિયાન કેનેડાની કોલેજમાં અભ્યાસની ફી જમા થઇ નથી તેમ જાણવા મળતાં યાત્રીને કેનેડા મોકલવાનું કેન્સલ કર્યું હતું અને વિપુલ પાસેથી રૃા.૧૦.૧૧ લાખ પરત માંગતા વિપુલે બીજા રૃા.૭ લાખ ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશનમાં જમા કરાવશો તો જ ફી પરત મળશે. જો કે નીતિનભાઇએ પોતાની પાસે હાલ પૈસાની સગવડ નથી તેમ કહી પૈસા પરત માંગ્યા હતાં પરંતુ વિપુલ ખોટા વાયદા કરતો હતો. તા.૫-૮-૨૪ ના રોજ મોબાઇલ પર વોટ્સએપથી રિફન્ડ કન્ફર્મેશનનો લેટર મોકલ્યો હતો પરંતું ખાતામાં પૈસા જમા થયા ન હતા આ લેટર પણ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશનના સરનામા પર તપાસ કરતાં તે સ્થળે કોઇ ઓફિસ નહી હોવાનું જાણવા મળ્યું હતું.
વિપુલ ચૌહાણની વિરૃધ્ધ અન્ય લોકો સાથે કરેલ છેતરપિંડીની વડોદરા ખાતે પણ પોલીસ ફરિયાદો થઇ હતી.જેથી પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા નીતિન પરસોત્તમભાઇ પટેલે ભેજાબાજ વિપુલ જગદીશભાઇ ચૌહાણ (રહે.અટલાદરા, વડોદરા) વિરૃધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી હતી.