કંપનીમાં નોકરી અપાવવાની લાલચે યુવાને છ યુવાનો સાથે કરેલી ઠગાઇ

સાહેબોને પૈસા આપવા પડશે તેમ કહી બેરોજગાર યુવાનો પાસેથી પૈસા ખંખેર્યા ઃ નટવરનગરના શખ્સ સામે ગુનો

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
કંપનીમાં નોકરી અપાવવાની લાલચે યુવાને છ યુવાનો સાથે કરેલી ઠગાઇ 1 - image

વડોદરા, તા.12 સાવલી તાલુકાના મોક્સી ગામે આવેલી ખાનગી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી નટવરનગરના ભેજાબાજે  પોતાના ગામના તેમજ ભાદરવા ગામના અડધો ડઝન યુવાનો પાસેથી કુલ રૃા.૧.૫૦ લાખ ખંખેર્યા  હતાં.

નટવરનગરમાં રહેતા કુલદીપસિંહ દશરથસિંહ વાઘેલાએ ગામમાં રહેતા મહેશસિંહ તખતસિંહ મહિડા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં હું સાણંદ ખાતેની કંપનીમાં નોકરી કરું છું. ફેબુ્રઆરી ૨૦૨૧માં હું ગામની ભાગોળે હતો ત્યારે મહેશસિંહ પણ ત્યાં આવ્યો હતો તેણે મને શું કરે છે તેમ કહેતાં મેં બેકાર છું અને નોકરીની શોધમાં છું તારા ધ્યાનમાં કોઇ નોકરી  હોય તો મને જણાવજે તેમ કહ્યું હતું.

બે-ત્રણ દિવસ પછી મહેશનો મારા પર ફોન આવ્યો હતો અને જણાવેલ કે હું જે જગ્યાએ નોકરી કરું છું તે કોચ કંપનીમાં માણસોની જરૃર છે તને નોકરી મળી જશે અને સાહેબને ખુશ કરવા માટે પૈસા આપવા પડશે તેમ જણાવ્યું હતું. બાદમાં મારી પાસે પૈસાની વ્યવસ્થા થતાં મેં મહેશને ગુગલ પેથી પૈસા ચૂકવ્યા  હતાં. લાંબો સમય થવા છતાં તેણે નોકરી માટે કોઇ જવાબ નહી આપતા આખરે હું તેના ઘેર ગયો હતો પરંતુ ગોળગોળ જવાબ આપતો હતો. 

થોડા દિવસો બાદ ખબર પડી હતી કે મારી સાથે ગામમાં રહેતા અન્ય યુવાનો પૃથ્વીરાજસિંહ શનાભાઇ મહિડા, દિવ્યરાજ ધીરજભાઇ રોહિત અને પ્રિતેશ ગીરીશભાઇ રોહિત તેમજ ભાદરવામાં રહેતા વિક્રમસિંહ કાભાઇ જાદવ અને રાજેન્દ્રસિંહ સંપતસિંહ પરમાર પાસે પણ નોકરી અપાવવાના બહાને પૈસા પડાવ્યા છે. અમે બધા ભેગા થઇને તેના ઘેર ગયા અને નોકરી અપાવ અથવા પૈસા પરત કર તેમ કહેતાં મહેશે જણાવેલ કે હાલમાં નોકરીનું સેટિંગ થઇ શકે તેમ નથી, પૈસા વપરાઇ ગયા છે વ્યવસ્થા થશે એટલે પરત આપી દઇશ. જો કે લાંબા સમય સુધી માત્ર બહાના બતાવતો હોવાથી આખરે પોલીસમાં જવાની ફરજ પડી હતી.




Google NewsGoogle News