શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજરની ઉચાપત

વડોદરામાં રહેતાં મેનેજરની ઉચાપત ખુલ્લી પડતા પૈસા પરત કરવાની લેખિતમાં ખાતરી આપી પરંતુ ના આપતા આખરે ફરિયાદ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજરની ઉચાપત 1 - image

શિનોર તા.૧૭ શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજરે રોકડ સિલક તથા ખાતરનો સ્ટોક મળી કુલ રૃા.૧૧.૨૮ લાખની ઉચાપત  કરી હોવાની ફરિયાદના પગલે પોલીસ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી છે.        

ધી શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સાધલી તથા તેના સેગવા ખાતેના ગોડાઉનમાં તા.૧ નવેમ્બર ૨૦૧૯થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ના સમયગાળા દરમિયાન ક્લાર્ક  તથા મેનેજર તરીકે પટેલ મનોજભાઈ નગીનભાઈ (રહે.કુબેર રેસિડેન્સી, ડભોઇ-વાઘોડિયા રિંગરોડ, વડોદરા, મૂળ સેગવા) ફરજ બજાવતા હતાં. સંઘની માલિકીના ખાતરના હિસાબની રોકડ રકમ રૃા.૮.૨૨ લાખ અને ખાતરના સ્ટોકની કિંમત રૃા.૩.૦૫ લાખ મળીને રૃા.૧૧.૨૮ લાખની ઉચાપત કરી આ રકમનો મનોજ પટેલે અંગત ઉપયોગ કર્યો હતો. 

સંઘમાં થયેલી ઉચાપત અંગે સંઘના પ્રમુખ ભાસ્કરભાઈ મૂળજીભાઈ પુરોહિતે અગાઉ તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પોલીસમાં અરજી આપી હતી,  પરંતુ આ અરજીની તપાસ ગમે તે કારણસર ઢીલમાં પડી હતી, જેથી ઉપલી કચેરી દ્વારા ગુનો નોંધવા જાણ કરાતાં શિનોર પોલીસે ગુનો નોંધેવાની ફરજ પડી હતી.

મનોજ પટેલ સને ૨૦૧૮માં ક્લાર્ક તરીકે જોડાયા હતા, અને ત્યારબાદ વહીવટદાર આર.પી. ગાંધીના વહીવટમાં  તા.૧ નવેમ્બર ૨૦૧૯થી મેનેજર તરીકે સેવા આપતા હતા. સંસ્થાના વહીવટકર્તાઓને આ ઉચાપતની જાણ થતા તા.૭ જુલાઈ ૨૦૨૩ના રોજ મનોજ પટેલ દ્વારા રૃા.૫૦૦ ના સ્ટેમ્પપેપર ઉપર ઉચાપતના નાણાં ભરવાની બાહેધરીનો કરાર કરી આપ્યો હતો. પરંતુ નાણા ભરતા નહોતા. સને ૨૦૧૭ -૧૮ અને ૨૦૧૮- ૧૯માં વહીવટદાર દ્વારા સંસ્થાનો વહીવટ ચાલતો હતો. અને  ૨૦૨૧- ૨૨માં ચૂંટણી થઇ હતી.




Google NewsGoogle News