બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે કહી ડીઝલ ભરાવી પૈસા ના ચૂકવ્યા
દિપ ઇન્ફ્રા રેલવે પ્રા.લી.ના માલિકે રૃા.૧૪.૧૯ લાખનું ૧૬ હજાર ડીઝલ મેળવ્યા બાદ નાણાં ના આપતા ફરિયાદ
વડોદરા, તા.31 સમા-સાવલીરોડ પર આવેલા વાઘેશ્વરી પેટ્રોલપંપના માલિકને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ છે તેમ કહી રૃા.૧૪.૧૯ લાખનું ડીઝલ મેળવ્યા બાદ ભેજાબાજે પૈસા નહી આપતા મૂળ આણંદના અને મુંબઇમાં રહેતા ઠગ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
દુમાડ ગામે મોટા ફળિયામાં રહેતા યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલાએ કરણસિંહ ચૌહાણ (રહે.શેલ્ટન ક્યૂબીક, નવી મુંબઇ, હાલ ઓડ ચોકડી, આણંદ) સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સમા-સાવલીરોડ પર દુમાડ ગામની સીમમાં વાઘેશ્વરી પેટ્રોલપંપ હું ચલાવું છું. વર્ષ-૨૦૨૧માં દિપ ઇન્ફ્રા રેલવે પ્રા.લી.ના માલિક કરણસિંહ સાથે સંપર્ક થયો હતો. તેણે મને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ જણાવી એલ એન્ડ ટી કંપનીનો વર્ક એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટનો પત્ર બતાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ઓમકારપુરથી આજોડ તરફ જતા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે નિરમામાંથી કપચી વગેરે સામગ્રીના પરિવહનનું કામ કરવાનું છે તેમ કહી એક અધિકારી સાથે વાત કરાવી હતી.
બાદમાં અમે કરાર કર્યો હતો અને તા.૧૪ ડિસેમ્બર ૨૦૨૧થી તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૧ સુધી રૃા.૧૪.૧૯ લાખ કિંમતનું ૧૬ હજાર લીટર ડીઝલ તબક્કાવાર આપ્યું હતું. કરાર મુજબ નાણાંની ચૂકવણી નહી કરતા આખરે ડીઝલ આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં તેની પાસે વારંવાર નાણાંની ઉઘરાણી કરવા છતાં તેણે કોઇપૈસાની ચૂકવણી કરી ન હતી.
ઉલ્લેખનીય છે કે સરકારના વિવિધ પ્રોજેક્ટોમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમ કહી પેટ્રોલપંપો પરથી પેટ્રોલ તેમજ ડીઝલ મેળવ્યા બાદ પૈસાની ચૂકવણી નહી કરવા અંગેની અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઇ હતી. બીજી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન પોલીસે હાથ ધર્યા છે.