આમોદરના વકીલ સાથે ઠગાઇ બોગસ સંમતિકરાર બનાવીને જમીન પચાવી પાડવાનું ષડયંત્ર
રાજપીપળાના નોટરી સહિત ત્રણ સામે છેતરપિંડીની ફરિયાદ
વડોદરા, તા.7 વાઘોડિયા તાલુકાના આમોદર ગામની જમીનના મૂળ માલિકોને અંધારામાં રાખી બારોબાર બોગસ સંમતિકરાર કરી જમીનની માપણી કરાવી જમીન પચાવી પાડવાનું કાવતરું રચનાર ત્રણ સામે ફરિયાદ નોધવામાં આવી છે.
આમોદરમાં દરબાર ફળિયામાં રહેતા તેમજ વકીલાત કરતાં રાજેન્દ્રસિંહ કલ્યાણસિંહ મહિડાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં યોગેશકુમાર મહેન્દ્રસિંહ રણા રહે.દરબાર ફળિયું, આમોદર), દિલમોહનસિંગ પરમજીતસિંગ સંધુ (રહે.શાસ્ત્રીપાર્ક સોસાયટી, આર્યકન્યા સ્કૂલ પાછળ, કારેલીબાગ) અને રાજપીપળાના નોટરી ચિમનભાઇ પી. વસાવા સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી વડિલોપાર્જિત આમોદર ગામે જમીન મુખ્ય રોડની બાજુમાં આવેલી છે. ટીપી સ્કીમ પડી ગઇ હોવાથી જમીનની કિંમત વધી ગઇ છે.
ડિસેમ્બર ૨૦૨૩માં મેં જ્યારે ઓનલાઇન જમીનનો રેકર્ડ ચેક કર્યો ત્યારે ખબર પડી કે સર્વે નંબરમાં બે ભાગ પાડી ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે કચેરીઓમાંથી વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે યોગેશ રણાએ જમીનના ભાગ પાડવા માટે હિસ્સા માપણી કરાવી અને તેના માટે સોગંદનામું કરાવ્યું તેમાં અમારા ૧૧ ખાતેદારોની હાજરી ના હોવા છતાં તેમના નામની આગળ બોગસ ફોટા ચોંટાડી બોગસ સહિઓ કરી હતી. સમગ્ર વિગતોનો પર્દાફાશ થયો હતો. હિસ્સા માપણી અંગે જિલ્લા નિરિક્ષક સમક્ષ કેસ દાખલ કરતાં એક તરફી કેસ ચલાવ્યો હતો અને માપણી વખતે અમારી હાજરી ના હોવા છતાં યોગેશ રણાની તરફેણમાં ચૂકાદો આપી દીધો હતો એટલું જ નહી પરંતુ વાઘોડિયા મામલતદારે પણ નોટિસ સમય પહેલાં એટલે કે કાચી નાંધ પાડીના માત્ર ૯ દિવસમાં જ પાકી નોંધ હક્કપત્રકમાં પાડી દીધી હતી.