સુથ કોમર્સ પ્રા.લિ.ના ભેજાબાજોની IPCLના નિવૃત્ત VP અને તેમના ડોક્ટર પુત્ર સાથે રૃા.૭.૬૭ કરોડની ઠગાઇ

ભેજાબાજોએ વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવ્યું હતું ઃ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ સામે પણ છેતરપિંડીની ફરિયાદ

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
સુથ કોમર્સ પ્રા.લિ.ના ભેજાબાજોની IPCLના નિવૃત્ત VP અને તેમના ડોક્ટર પુત્ર સાથે રૃા.૭.૬૭ કરોડની ઠગાઇ 1 - image

વડોદરા, તા.22 બાપોદ વિસ્તારમાં રામદેવનગર સોસાયટીમાં આવેલી સુથ કોમર્સ પ્રા.લિ. નામની કંપનીમાં વિવિધ યોજનામાં રોકાણ કરાવવાના બહાને કંપનીના બે ડાયરેક્ટરો તેમજ એક ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટે આઇપીસીએલ કંપનીના નિવૃત્ત વાઇસ પ્રેસિડેન્ટ તેમજ તેમના ડોક્ટર પુત્ર સહિત પરિવાર પાસે રોકાણ કરાવી કુલ રૃા.૭.૬૭ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૃ કરી છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં વિદ્યાવિહાર સ્કૂલ પાસે બિંદુ અર્ચનાપાર્ક સામે રહેતા ડો.મનન દુષ્યન્ત છાયાએ પ્રવિણચન્દ્ર હરિલાલ શાહ (રહે.મહાવીરપાર્ક સોસાયટી, એસબીઆઇ પાછળ, વાઘોડિયારોડ) તેમજ સુથ કોમર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર નટરાજન પૌડસ્વામી મુદલીયાર (રહે.રામદેવનગર સોસાયટી, બાપોદ) અને સુબેદારસિંઘ રાજપુત (રહે.રામદેવનગર સો., બાપોદ) સામે છેતરપિંડી અને ધી બેનિંગ ઓફ અને રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

ડો.મનને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે હાલોલમાં છાયા ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવે છે. મારા પિતા દુષ્યન્ત છાયા આઇપીસીએલમાંથી વર્ષ-૨૦૦૯માં વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતાં. તેઓ નોકરી પર હતા ત્યારે તેમના મિત્રો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ પ્રવિણ શાહ સાથે ઓળખાણ થઇ હતી. પ્રવિણે મારા પિતાને સુથ કોમર્સ પ્રા.લિ. કંપનીમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને આ કંપની વાર્ષિક ૨૪ ટકા રિટર્ન આપે છે તેમ કહ્યું હતું.

બાદમાં પ્રવિણે કંપનીના ડાયરેક્ટરો નટરાજન અને સુબેદારસિંઘ સાથે ઓળખાણ કરાવી હતી અને બંનેએ કહ્યું  હતું કે થોડા દિવસો બાદ અમારી કંપનીનો આઇપીઓ આવવાનો છે જો તમારે વધુ નફો મેળવવો હોય તો સ્વર્ણિમ તક છે જેટલું વધુ રોકાણ કરશો તેટલો વધુ નફો મળશે તેમ કહી માસિક યોજના તેમજ બદલા ફાઇનાન્સની સ્કીમ બતાવી હતી. બાદમાં મારા પિતાએ પોતાના નામે, માતા તેમજ મારા અને અન્ય સંબંધીઓ દ્વારા કુલ રૃા.૭.૬૭ કરોડનું રોકાણ કર્યું  હતું. આ અંગે સ્ટેમ્પપેપર પર કરાર કર્યા હતા અને પાકતી મુદતે પૈસા પરત કરવાનો વાયદો પણ કર્યો હતો. જો કે મુદત પૂર્ણ થયા બાદ પૈસા પરત કરવા માટે ત્રણેએ વાયદાઓ કર્યા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News