શ્રીજી માર્કેટના રમકડાના વેપારી દ્વારા ઠગાઇ દુકાનમાં કામ કરતાં દંપતીના નામે બે પેઢીઓ ખોલી બેંકમાંથી લોન લીધી
નરેન્દ્ર ઠક્કરે પતિ અને પત્નીના નામે જીએસટી નંબર પણ મેળવ્યા ઃ બેંકમાંથી લોનની ઉઘરાણી આવતા વેપારીનો ભાંડો ફૂટયો
વડોદરા, તા.26 હરણી ચાર રસ્તા પાસે રમકડાના વેપારીએ દુકાનમાં કામ કરતાં પતિ અને પત્નીના નામે બે બોગસ પેઢી બનાવી બંનેના નામે જીએસટી નંબર મેળવી બેંક ખાતા ખોલાવી લોન પણ મેળવી હોવાની વિગતો બહાર આવતા વેપારી સામે રૃા.૧૨.૧૬ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
છાણી જકાતનાકા વિસ્તારમાં વૃંદાવન ફ્લેટમાં રહેતા અશરફ ઇલીયાસભાઇ વ્હોરાએ નરેન્દ્ર મહાદેવ ઠક્કર (રહે.નિર્માણ રેસિડેન્સી, કારેલીબાગ પાણીની ટાંકીરોડ) સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફેબુ્રઆરી-૨૦૨૦માં હું સયાજીગંજમાં રવેચી એન્ટરપ્રાઇઝ નામની ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતો હતો ત્યારે નરેન્દ્ર ઠક્કર ઝેરોક્ષનો સામાન ખરીદવા દુકાન પર આવતા ઓળખાણ થઇ હતી. બાદમાં કોરોના આવતાં હું પત્ની અને સંતાનો સાથે વતનમાં જતો રહ્યો હતો.
ત્રણ માસ બાદ નરેન્દ્ર ઠક્કરનો મારા પર ફોન આવ્યો હતો અને જણાવેલ કે તારે નોકરી ના હોય તો તું મારી રમકડાની દુકાનમાં નોકરી પર આવી શકે છે. એક સપ્તાહ બાદ હું વડોદરા પરત આવ્યો હતો અને નરેન્દ્ર ઠક્કરની સંગમ ચાર રસ્તા પાસે શ્રીજી માર્કેટમાં વિરજા ટ્રેડિંગ નામની દુકાનમાં નોકરી કરવા લાગ્યો હતો. તે સમયે નરેન્દ્ર ઠક્કરે મને જણાવેલ કે તારી પત્નીને પણ નોકરી પર લગાવવી હોય તો પાનકાર્ડ, આધારકાર્ડ ડોક્યૂમેન્ટ આપજે જેથી બંનેના એકાઉન્ટ ખોલાવી તેમાં પગાર કરી શકીએ. નરેન્દ્ર ઠક્કરના કહેવાથી મેં મારા તેમજ પત્નીના ડોક્યૂમેન્ટ નરેન્દ્ર ઠક્કરને આપી ફોર્મમાં સહી કરી આપી હતી.
માર્ચ-૨૦૨૩માં નરેન્દ્ર ઠક્કર સાથે ઝઘડો થતાં મેં તેમજ મારા મિત્ર ઝૈદે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડયાના બીજા મહિને આઇડીબીઆઇ બેંકમાંથી રૃા.૪.૮૯ લાખની લોનની ઉઘરાણી માટે ફોન આવ્યો હતો તે સમયે મેં નરેન્દ્ર ઠક્કરને કહેતાં તેમણે હું ભરવી હોય તો ભરીશ, બાકી નહી ભરંઆ તેમ કહ્યું હતું. બાદમાં મારી પત્નીના નામે એસબીઆઇ બેંકમાંથી પણ રૃા.૭.૨૬ લાખની લોન લીધી હતી અને તે રકમ પણ ભરવાની બાકી હોવાનું જણાયું હતું. આ અંગે બંને બેંકમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નરેન્દ્ર ઠક્કરે મારા નામે ઓસ્વાલ એજન્સી નામે તેમજ પત્નીના નામે યુનાઇટેડ ટ્રેડિંગના નામે બેંકમાં ખાતા ખોલાવી કેશ ક્રેડિટની ફેસિલિટિ મેળવી લોનો લીધી હતી. આ બંને પેઢીઓના નામે જીએસટી નંબર પણ મેળવ્યો હતો.