લેબર કોન્ટ્રાક્ટરે કામદારોના PF, ESI, GSTના રૃા.૨૭.૫૭ લાખ ચાઉં કર્યા
મકરપુરા જીઆઇડીસી અને ડભાસાની કંપનીમાં લેબર સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર સામે ઠગાઇની ફરિયાદ
વડોદરા, તા.25 મકરપુરા, પોર અને ડભાસામાં આવેલી કંપનીના ચાર પ્લાન્ટમાં લેબર સપ્લાય કરતાં કોન્ટ્રાક્ટરે કામદારો માટેના પીએફ, ઇએસઆઇ અને જીએસટીની રકમ મળી કુલ રૃા.૨૭.૫૭ લાખ ચાઉં કરી જતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી રેક્ષટોન ઇ.લી. કંપનીના મેનેજર મનોજ મોલીફુલ્લોએ લેબર કોન્ટ્રાક્ટર રાકેશ કાલુવણ ગોસાઇ (રહે.સમીરપાર્ક સોસાયટી, ગોરવારોડ) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી કંપનીના મકરપુરા અને પોર ખાતે કુલ ત્રણ પ્લાન્ટ છે જ્યાં રાકેશ ગોસાઇ લેબર સપ્લાયનું કામ ઘણા સમયથી કરે છે. તે જે બિલ રજૂ કરે તે રકમ અમે તેના એકાઉન્ટમાં ઓનલાઇન જમા કરાવી દઇએ છે.
લેબર કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં કામદારોનો પગાર, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, સંકલન ફી, પીએફ, ઇએસઆઇ અને જીએસટી આવે છે જે રકમ તેણે સરકારી ઓફિસમાં જમા કરાવવાની હોય છે પરંતુ તા.૧ મે ૨૦૨૩થી તા.૨૫ જૂન ૨૦૨૪ સુધી કોન્ટ્રાક્ટરે પીએફ, ઇએસઆઇ અને જીએસટીના કુલ રૃા.૨૫.૫૪ લાખ સરકારી વિભાગોમાં જમા કરાવ્યા ન હતાં.
તેવી જ રીતે પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી સિસ્ટર કંપની ગ્લોબેક્ષ લેબોરેટરી આર એન્ડ ડી લી.માં પણ રાકેશ ગોસાઇ લેબર સપ્લાય કરે છે. પરંતુ તે કંપનીમાં પણ કામદારોના રૃા.૨.૦૨ લાખ કંપની પાસેથી મેળવ્યા બાદ સરકારી વિભાગોમાં ચૂકવ્યા ન હતાં. લેબર કોન્ટ્રાક્ટરે કુલ રૃા.૨૭.૫૭ લાખની રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.