કેનેડામાં નોકરી અપાવવા માટે યુવક સાથે રૃ.1.21 લાખ ખંખેરી લીધા,ઓફિસને તાળાં મારી ફરાર
વડોદરાઃ કેનેડામાં નોકરી અપાવવાના નામે સારાભાઇ કેમ્પસમાં ઓફિસ ધરાવતા કન્સલટન્ટે રૃ.૧.૨૧ લાખ પડાવી લઇ ઓફિસને તાળાં મારી દેતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
સોમા તળાવની ઓમ રેસિડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા જિગ્નેશ ભાટીયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૧માં સારાભાઇ કેમ્પસમાં એટલાન્ટિસ કોમ્પ્લેક્સ ખાતે આવેલી એકલે ધ ન્યુ ફેસ ઓફ એજ્યુ. નામની ઓફિસમાંથી ચાંદનીનો ફોન આવ્યો હતો અને તેણે તેમની ઓફિસમાં કેનેડામાં નોકરી અને પીઆર માટે કામ કરવામાં આવતું હોવાનું કહ્યું હતું.
જેથી ઓફિસ સંચાલક ખંતિલ અજય ભાઇ શાહ(શ્રી રાધે વિસ્ટા,સુભાનપુરા)નો સંપર્ક કરતાં તેણે કેનેડામાં નોકરી અપાવવાના નામે રૃ.૧૧.૮૦ લાખનો એગ્રીમેન્ટ કર્યો હતો.આ પૈકી જુદાજુદા નામે ફી પેટે મેં તેને રૃ.૧.૨૧ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારપછી મારું કામ થતું નહતું.
જિગ્નેશે કહ્યું છે કે,ત્યારબાદ હું ખંતિલ શાહનો સંપર્ક કરતો હતો.પરંતુ આઠ-દસ મહિના સુધી મારું કામ થયું નહતું.તેણે ફોન બંધ કરી દેતાં હું તપાસ માટે ઓફિસે ગયો તો ત્યાં પણ તાળાં મારી દેવામાં આવ્યા હતા.જેથી ગોરવા પોલીસે ખંતિલ શાહ સામે ગુનો નોંધ્યો છે.