CMOના ઓફિસર તરીકે રોફ ઝાડતા ઠગ વિરાજે જાપ્તાના કોન્સ્ટેબલને જ ફોડી નાંખ્યો..તેનું બાઇક લઇ ગયો
વડોદરાઃ સીએમઓના નામે રોફ ઝાડતો ઠગ વિરાજ પટેલે જાપ્તાના જ કોન્સ્ટેબલ હિતેન્દ્રને ફોડયો હોવાની વિગતો ખૂલતાં કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે.
સીએમઓ તેમજ ગિફ્ટ સિટીના સીઇઓ તરીકે ઓળખાણ આપી રૃઆબ છાંટતા વિરાજ અશ્વિન પટેલ સામે મુંબઇની મોડેલે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે, તેની પાસે બે પાન કાર્ડ મળી આવતાં તેનો પણ અલગ ગુનો નોંધાયો હતો.
બળાત્કારના કેસમાં વિરાજને ગઇ તા.૧૦મીએ કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તે પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.જેથી તેને શોધવા માટે પોલીસ કમિશનરે ૧૦ ટીમો બનાવી તેનું સંકલન કર્યું હતું.વિરાજ મિઝોરમની બોર્ડર પરથી પકડાઇ જતાં તેને વડોદરા લવાયો છે.
વિરાજ ને કોણે મદદ કરી,ફંડ ક્યાંથી લાવ્યો હતો,ક્યાં ક્યાં ગયો હતો જેવી બાબતોની તપાસ માટે ગોત્રીના પીઆઇ આર એન પટેલે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તા.૧૪ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસની તપાસમાં વિરાજે જાપ્તાના કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહને હાથમાં લઇ તેનું જ બાઇક લઇને ફરાર થઇ ગયો હોવાની વિગતો ખૂલી છે.જેથી બેદરકારી રાખવા બદલ કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે.
મારી માતાને મળીને આવું છું..તેમ કહી કોન્સ્ટેબલને શીશામાં ઉતાર્યો
વિરાજ પટેલે ભાગવાનો અગાઉથી પ્લાન નક્કી કરી રાખ્યો હોય તેમ લાગી રહ્યું છે.તેણે જાપ્તાના કોન્સ્ટેબલને જ વિશ્વાસમાં લઇ લીધો હતો.મારી વૃધ્ધ માતા આજે મળવા આવવાની છે તેમ કહી તેણે માત્ર દસ મિનિટ માટે કોન્સ્ટેબલની મદદ માંગી હતી.કોન્સ્ટેબલે તેને પોતાની બાઇક આપતાં તે બાઇક લઇને ફરાર થઇ ગયો હતો.
જો કે હિતેન્દ્ર પાસે મળેલી વિગતો પર ગોત્રી પોલીસ વિશ્વાસ કરતી નથી.બંને વચ્ચે કોઇ લેવડદેવડ થઇ છે કે કેમ તે મુદ્દે પોલીસ બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરનાર છે.
બાઇક પર નડિયાદ થઇને અમદાવાદ તરફ ગયો
વિરાજ પટેલ પોલીસનું બાઇક લઇને કોર્ટમાંથી બહાર નીકળી હાઇવે પર નડિયાદ ગયો હતો અને ત્યાંથી અમદાવાદ તરફ ગયો હોવાનું પોલીસ માની રહી છે.જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આસામમાં મોબાઇલ ખરીદ્યો,માતાએ રૃપિયા આપ્યા હતા
વિરાજ પટેલે આસામ ખાતેથી મોબાઇલ પણ ખરીદ્યો હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.તેને ખર્ચ કોણ આપતું હતું તે મુદ્દે પોલીસે તપાસ કરતાં તેની માતાએ રૃપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.