એમ.એસ. યુનિ.ના પ્રેસ મેનેજર સહિત પાંચ સાથે છેતરપિંડી હોલિડેઝ પેકેજના નામે પાર્ક પ્રીવેરા કંપનીની અનેક લોકો સાથે ઠગાઇ
સેવાસીના ફાર્મમાં સેમિનાર ગોઠવી અનેક લોકોને ફસાવ્યા ઃ રાહુલ ગુપ્તા સહિત ત્રણ સામે ફરિયાદ
વડોદરા, તા.13 હોલિડેઝ પેકેજ આપવાના નામે એમ.એસ. યુનિવર્સિટીના પ્રેસ મેનેજર સહિત પાંચ વ્યક્તિઓ સાથે પાર્ક પ્રીવેરા હોલિડેઝ કંપનીના ડાયરેક્ટર તેમજ અન્યએ પૈસા પડાવી છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ કંપની સામે અનેક ફરિયાદો પણ થઇ છે.
શહેરના પ્રતાપગંજરોડ પર વિક્રમબાગ ખાતે રહેતાં શિલ્પાબેન જતીનભાઇ સોમાણીએ પાર્ક પ્રીવેરા હોલિડેઝના ડાયરેક્ટર રાહુલ ગુપ્તા (રહે.શ્રીનાથદર્શન એપાર્ટમેન્ટ, સુભાનપુરા, મૂળ રાંચી, ઝારખંડ) તેમજ સુયલ રાજપુત અને નિશીથ શ્રીવાસ્તવ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છું મારા પતિ એમએસ યુનિવર્સિટીમાં પ્રેસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મારા પતિના મોબાઇલપર એક ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખાણ નિશીથ તરીકે આપી હતી.
નિશીથે કહ્યું હતું કે અમારી કંપની પાર્ક પ્રીવેરા છે તેનો હું સેલ્સ પર્સન છું અમારી કંપની ૧૦ વર્ષ માટે હોલિડેઝનું પેકેજ આપે છે. દર વર્ષે ૭ રાત્રિ અને ૮ દિવસનું એક હોલિડેઝ પેકેજ સહિતના અનેક પેકેજો આપે છે. આ બાબતે સેવાસી ખાતે કબીર ફાર્મમાં સેમિનાર છે તો તેમાં સહપરિવાર ભાગ લેવા માટે આવી શકો છો. તેની વાતમાં આવી જઇને હું અને મારા પતિ બંને સેમિનારમાં ગયા હતા ત્યારે અમને ઓફર કરી હતી કે તમારે જ્યારે ટૂરમાં જવાનું હશે ત્યારે તમામ વ્યવસ્થા કરી દઇશું તેમજ અન્ય એક્ટિવિટિનો પણ લાભ મળશે. જે તે વખતે અમે રૃા.૧.૧૭ લાખ કંપનીને ચૂકવ્યા હતાં.
બાદમાં મારા પતિએ એલટીસી રજા લીધી હતી અને તે અંગે પરિવાર સાથે રાજસ્થાન જવા માંગે છે તેવા ઉલ્લેખ સાથે કંપનીને ઇમેલ કર્યો હતો પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો. ફોનથી સંપર્ક કરતાં તે પણ થઇ શક્યો ન હતો. આમ અમારી સાથે ઠગાઇ હોવાનું જણાયું હતું. બાદમાં જે તે દિવસે સેમિનારમાં આવેલા અન્ય લોકો પણ બહાર આવ્યા હતાં. કુલ પાંચ લોકો સાથે કુલ રૃા.૫.૧૮ લાખની ઠગાઇ થઇ છે.
પાર્ક પ્રીવેરામાં કોણે કેટલાં રૃપિયા ગુમાવ્યા
- શિલ્પાબેન જતીનભાઇ સોમાણી (રહે.વિક્રમબાગ, પ્રતાપગંજરોડ) રૃા.૧.૧૭ લાખ
- મયંક વિલાસરાય વૈદ્ય (રહે.ગ્રોમોર એપાર્ટમેન્ટ, સુભાનપુરા) રૃા.૧.૦૫ લાખ
- અમિત રમેશચન્દ્ર શર્મા (રહે.રમ્યકુંજ સોસાયટી, ઇસનપુર,અમદાવાદ) રૃા.૫૨૯૯૯
- જિગ્નેશ ઇશ્વર પટેલ (રહે.નર્મદાપાર્ક સોસાયટી, ગોરવા, પંચવટી) રૃા.૮૫૦૦૦
- અલ્પાબેન સંદિપ દેસાઇ (રહે.સુર્યનગર સોસાયટી, સુભાનપુરા) રૃા.૧.૫૮ લાખ