પોરના ઇન્ડસ્ટ્રિયલ પ્લોટના વેચાણ બાદ અન્યને વેચી છેતરપિંડી
પ્લોટના મૂળ માલિકો, જમીન દલાલસહિત પાંચેયની ધરપકડ માટે પોલીસની કાર્યવાહી
વડોદરા, તા.14 વડોદરા નજીક પોર જીઆઇડીસીનો પ્લોટ વેચાણ કરવાના બહાને મૂળ માલિકોએ બાનાખતો અને વેચાણ દસ્તાવેજો કરી છેતરપિંડી કરતા જમીન દલાલ સહિત પાંચ ભેજાબાજો સામે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૃ કરી છે.
વાલિયામાં જીન કમ્પાઉન્ડમાં રહેતા વિશાલસિંહ દિલીપસિંહ બોરાધરાએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને રાજેન્દ્ર સુરેશભાઇ શિમ્પી બંને નેશનલ હાઇવે પર મેનપાવર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ધરાવીએ છીએ. રાજેન્દ્રના મિત્ર તેમજ જમીનદલાલ શૈલેષ પટેલે અમને જણાવેલ કે મેસર્સ ટેકનો સ્ટિલ એન્ડ ફોરઝીગ્નસ પ્રા.લી.ના ભાગીદારો ઇન્દુમતીબેન કટકીયા અને જનકભાઇ કટકીયાની માલિકીના પ્લોટની જમીન વેચાણ આપવાની છે. જેથી આ જમીન લેવા માટે અમે તૈયારી બતાવી હતી અને જમીન દલાલે પ્લોટના માલિકો સાથે મુલાકાત કરાવ્યા બાદ રૃા.૪૨ લાખમાં પ્લોટ લેવાનું નક્કી થયું હતું.
નક્કી થયા મુજબની રકમ અમે પ્લોટના માલિકોને બેંક મારફતે ચૂકવ્યા બાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્લોટનું રજિસ્ટર બાનાખત કર્યું હતું. થોડા દિવસો બાદ જમીન દલાલ શૈલેષે કહ્યું આ પ્લોટ બીજા ગ્રાહકો લેવાની તૈયારી બતાવે છે તમે વેચાણ આપવા માંગતા હોય તો સોદો કરાવી આપું. અમે પ્લોટના વેચાણ માટે તૈયાર થયા હતા અને વેચાણ લેવા માંગતા રવિન્દ્ર જોષી અને ભરત પંચાલ સાથે રૃા.૧.૯૩ કરોડમાં સોદો નક્કી થતા બંનેએ અમને રૃા.૫૫ લાખ ચૂકવ્યા હતા જેનું નોટરી લખાણ પણ કર્યું હતું.
બાદમાં ખબર પડી કે જમીનદલાલે અમે જેની સાથે સોદો કર્યો હતો તેમની પ્લોટના માલિક સાથે મુલાકાત કરાવી તેમની સાથે બારોબાર સોદો કરી દીધો હતો અને માલિકોએ રવિન્દ્ર જોષી અને ભરત પંચાલને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
- ઇન્દુમતીબેન જગમોહનદાસ કટકીયા (રહે.કુંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા)
- જનક જગમોહનદાસ કટકીયા (રહે.કુંજ સોસાયટી, અલકાપુરી, વડોદરા)
- શૈલેષ હરગોવિંદભાઇ પટેલ (રહે.પટેલ ફળિયું, હીરજીપુરા ગામ, કરજણ)
- રવિન્દ્ર ભાલચન્દ્ર જોષી (રહે.ગીતાપાર્ક સોસાયટી, દરબારચોકડી પાસે, માંજલપુર)
- ભરત ચન્દ્રકાંત પંચાલ (રહે.સોનલપાર્ક સો., અલવાનાકા, માંજલપુર)