રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વ્યાપક ચેકિંગથી પ્રવાસીઓમાં કુતૂહલ
મુસાફરખાના, વેઇટિંગરૃમ, પ્લેટફોર્મ પરના પાર્સલોમાં ચેકિંગ કરાયું
વડોદરા, તા.22 વડોદરા તેમજ છાયાપુરી રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફ દ્વારા શંકાસ્પદ સામાન તેમજ મુસાફરોનું ચેકિંગ હાથ ધરાતા પ્રવાસીઓમાં કુતૂહલ વ્યાપ્યું હતું.
ટ્રેનમાં માદક પદાર્થોની કે હથિયાર વિગેરેની હેરાફેરી અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા આજે સરપ્રાઇઝ કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાંબા અંતરની ટ્રેનોમાં અને આ ટ્રેનોમાંથી ઉતરતા પ્રવાસીઓનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. બોંબ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં જો કે પોલીસને કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું.
પોલીસે જણાવ્યું હતું કે લાંબા અંતરની ટ્રેનો ઇન્દોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ, વેરાવળ એક્સપ્રેસ, આગ્રા ફોર્ટ-અમદાવાદ સ્પેશિયલ, ઓખા-ગોરખપુર, અમદાવાદ દાનાપુર એક્સપ્રેસમાં ચઢતા તેમજ ઉતરતા પેસેન્જરો તથા ટ્રેનોમાં પ્રવાસ કરતાં પેસેન્જરો અને તેમનો સામાન ચેક કરાયો હતો. આ ઉપરાંત પ્લેટફોર્મ પર અવરજવર કરતાં પેસેન્જરો અને તેમની પાસેના સામાનનું ચેકિંગ કરાયું હતું. પેસેન્જરોની ભીડ હોય ત્યાં પાર્સલ ઓફિસ, પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, મુસાફરખાના, વેઇટિંગરૃમમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.