અયોધ્યા તરફ જતી ટ્રેનોમાં પોલીસ, આરપીએફનું ચેકિંગ
ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો ઉપરાંત રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ તપાસ
વડોદરા, તા.25 ગણતંત્ર દિવસ તેમજ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કારણે અયોધ્યા તરફ પ્રવાસીઓની સંખ્યા વધી જતાં તકેદારીના ભાગરૃપે ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને આરપીએફ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સમગ્ર દેશમાં એલર્ટ કરી દેવામાં આવેલ. રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચાલુ રાખવામાં આવ્યું છે. તોફાની તત્વો દ્વારા અરાજકતા ના ફેલાય તે માટે ઉત્તર ભારત ખાસ કરીને અયોધ્યા તરફ જતી ટ્રેનોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એક્સપ્રેસ ટ્રેનો ઉપરાંત વડોદરા ડીવીઝનમાં આવતા રેલવે સ્ટેશનો તેમજ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શંકાસ્પદ મુસાફરોનો સામાન પણ ચેકિંગ થઇ રહ્યો છે. રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ખાસ કરીને નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેના પગલે કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોય તો તેના પર અંકુશ મેળવી શકાય. પોલીસે જણાવ્યું હતું કે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા રતલામ સુધી ટ્રેનોમાં ચેકિંગ કરાય છે.