રાજમહેલરોડ પર ડીજેનો અવાજ તીવ્ર વધારતા સાધનોનું દુકાનોમાં મોટાપાયે ગેરકાયદે વેચાણ
ત્રણ દુકાનોમાંથી અવાજ વધારવા ઉપયોગમાં લેવાતા ૧૪ ઉપકરણો કબજે કરાયા ઃ સાઉન્ડ લિમિટર વગર ખુલ્લું વેચાણ
વડોદરા, તા.10 ડીજેનો ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ મોટાપાયે ફેલાવે છે. શહેર તેમજ જિલ્લામાં નિયમ વિરુધ્ધ અનેક ડીજે સંચાલકો દ્વારા સાઉન્ડ લિમિટર વગર ડીજેમાં પ્રેશર મીડ લગાવતા હોય છે જે અવાજની તીવ્રતા વધારે છે અને ઘોંઘાટ ઊભો કરે છે. સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં રાજમહેલરોડ પર આવેલી દુકાનોમાં તપાસ કરતાં ત્રણ દુકાનોમાં ૧૪ પ્રેશર મીડ મળતા તેને કબજે કરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડી ડીજે દ્વારા ફેલાવાતા ધ્વનિ પ્રદૂષણ પર કંટ્રોલ મેળવવા માટે ડીજે પર સાઉન્ડ લિમિટર લગાવવા જણાવાયું હતું. આ અંગે એસીપી રાજપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે ડીજે સંચાલકો ડીજેમાં અવાજ વધારવા માટે પ્રેશર મીડનો ઉપયોગ કરતાં હોય છે. સાઉન્ડ સિસ્ટમમાં ઘણી વખત એક મીડ કરતા પણ વધારે બે, ત્રણ, ચાર મીડ લગાવાતા હોય છે જેના કારણે ડીજેનો મોટો અવાજ રાહદારીઓને તેમજ દર્દીઓને હેરાન પરેશાન કરતો હોય છે.
ડીજેના હાઇવોલ્યૂમ માટે ડીજે સંચાલકો દ્વારા સાઉન્ડ લિમિટર લગાવવાના બદલે પ્રેશર મીડનો ખુલ્લો ઉપયોગ કરાતો હતો. આ અંગે નવાપુરા અને રાવપુરા પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજમહેલરોડ પર આવેલી સાઉન્ડ સિસ્ટમની દુકાનો પર વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં ત્રણ દુકાનોમાંથી સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૃા.૧.૪૫ લાખ કિંમતના કુલ ૧૪ પ્રેશર મીડ કબજે કર્યા હતાં.
કઇ ત્રણ દુકાનોમાંથી સાધનો કબજે કરાયા
શહેરના રાજમહેલરોડ વિસ્તારમાં આવેલી અનેક સાઉન્ડ સિસ્ટમની દુકાનોમાં સાઉન્ડ લિમિટર વગર પ્રેશર મીડનું ખુલ્લું વેચાણ થતું હતું. જે દુકાનોમાંથી સાધનો કબજે કરાયા તેમના નામ આ મુજબ છે.
- મારુતિ ઇલેક્ટ્રોનિક્સ (સમીર શંકર શાહ)
- હરસિધ્ધીઇલેક્ટ્રોનિક્સ (લક્ષ્મણ ઓથચંદ મુરતમલાણી)
- વિનાયક સાઉન્ડ (રહે.દક્ષેસ પ્રવિણ પંચાલ)
ડીજેના સ્પીકરમાં અવાજ વધારવા એકના બદલે પાંચથી છ લગાવાતા મીડ
ડીજે સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી પ્રેશર મીડ એવું ઉપકરણ છે કે જેને સ્પીકરમાં એકની જગ્યાએ પાંચથી છ જેટલાં મીડ લગાડતા હોય છે જેનાથી અવાજની તીવ્રતા વધી જાય છે અને ડીજેનો હાઇવોલ્યૂમ થઇ જાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ હાઇવોલ્યૂમ ધ્વનિ પ્રદૂષણ વધારવાની સાથે રાહદારીઓ તેમજ રહીશોને પરેશાન કરે છે.