LCB ઓફિસમાં ઝપાઝપી પ્રકરણ રેલવેના ઇન્ચાર્જ પીઆઇ તેમજ કોન્સ્ટેબલને ચાર્જશીટ ફટકારાઇ
ડીવાયએસપી દ્વારા પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ હવે ખાતાકીય તપાસના ભાગરૃપે બંનેના ખુલાસા પૂછાયા
વડોદરા, તા.19 વડોદરા રેલવે પોલીસના કોઠી વિસ્તારમાં આવેલા મુખ્ય મથક જ્યાં રેલવે એસપી બેસે છે તે બિલ્ડિંગમાં આવેલી એલસીબી ઓફિસમાં એક પીએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ થયેલી ઝપાઝપીના પડઘા પડયા છે. રેલવે એસપી દ્વારા બંનેને ચાર્જશીટ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે એક સપ્તાહ પહેલાં રેલવે પોલીસની કોઠી કચેરીના બીજા માળે આવેલી એલસીબીની કચેરીમાં રેલવે પોલીસના મુખ્ય મથકની એક બ્રાંચમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે કામ કરતા એક વિવાદાસ્પદ પીએસઆઇ આવ્યા હતાં. આ વખતે એલસીબીના હેડ કોન્સ્ટેબલે ઇન્ચાર્જ પીઆઇને ગુના ડિટેક્શનમાં મારુ પણ યોગદાન હોવા છતાં ઇનામ વિતરણ પત્રકમાં મારુ નામ કેમ ના લખ્યું તેમ કહેતાં ઇન્ચાર્જ પીઆઇનો પીત્તો ગયો હતો અને તું મને કોણ કહેવાવાળો તેમ કહેતાં હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ પીઆઇ વચ્ચે એલસીબી ઓફિસમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી.
આ ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો કે ઓફિસમાં જ બંને વચ્ચે ઝપાઝપી શરૃ થઇ ગઇ હતી જો કે અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને બંનેને છૂટા પાડયા હતાં. આ ઘટનાની ચર્ચા સમગ્ર રેલવે પોલીસમાં થવા લાગી હતી અને પીએસઆઇ તેમજ હેડ કોન્સ્ટેબલ બંનેએ રેલવે પોલીસવડાને પોતાનો રિપોર્ટ આપતા સમગ્ર બનાવની તપાસ રેલવેના ડીવાયએસપીને સોંપતા ડીવાયએસપીએ તાજેતરમાં જ રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ અંગે રેલવે એસપીએ જણાવ્યું હતું કે આ ઘટનાની પ્રાથમિક તપાસ પૂર્ણ થઇ છે અને હવે ખાતાકીય તપાસના ભાગરૃપે બંનેને ચાર્જશીટ આપવામાં આવી છે.