નીટ ચોરી કેસની તપાસ પૂરી કરી સીબીઆઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ
૧૭મીએ આરોપીઓ વિરૃધ્ધ કોઇ દ્વારા તહોમતનામુ ઘડવામાં આવશે
ગોધરા, ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર રચવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા નીટ ચોરી કેસની તપાસ પૂર્ણ કરી અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દેવાઇ છે.
ગોધરા ખાતેની જય જલારામ સ્કૂલમાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રમાં સીબીઆઇ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષા ચોરીના સમગ્ર પ્રકરણમાં પ્રથમ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ અને બાદમાં સીબીઆઇ દ્વારા અન્ય એક આરોપી મળીને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસની તપાસ પૂર્ણ કરી તમામ આરોપીઓ સામે અમદાવાદની સીબીઆઇ કોર્ટ ખાતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જે ચાર્જશીટમાં કરાયેલા આરોપો મુજબ તા. ૧૭ સપ્ટેમ્બરે સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં તમામ આરોપીઓ વિરૃધ્ધ કોર્ટ દ્વારા તહોમત ઘડવામાં આવશે. આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવી કોર્ટ દ્વારા કેસમાં આગળની કાર્યવાહી શરૃ કરાશે. આ પ્રકરણમાં હજુ વધુમાં વધુ પુરાવા એકત્ર કરવા સાહેદોના નિવેદનો નોંધી રહી છે.
તાજેતરમાં સીબીઆઇ અધિકારીઓએ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પાંચ દિવસ રોકાઇને વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન નોંધ્યા હતા. જે દરમ્યાન અધિકારીઓએ જય જલારામ સ્કૂલની મહિલા આચાર્યનું પણ નિવેદન નોંધ્યું હતું. આગામી સમયમાં તપાસો રેલી મહીસાગર જાય તેવી સંભાવના છે.