તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવા માટે ઢંગધડા વગરનો સમારોહ યોજાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ૬૦મો પદવીદાન સમારોહ યોજાયાના આઠ મહિના બાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને તેના આયોજનમાં કોઈ પણ જાતના ઢંગધડા જોવા મળ્યા નહોતા.
ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અકોટાના સયાજી નગરગૃહ ખાતે બપોરે ૩-૩૦ વાગ્યે રજિસ્ટ્રેશન માટે બોલાવી લેવામાં આવ્યા હતા.બીજી તરફ સ્ટેજ પરની તમામ ખુરશીઓ સાંજના ૫-૩૦ વાગ્યા સુધી ખાલી રહી હતી.કારણકે કાર્યક્રમમાં કયા મંત્રી હાજર રહેવાના છે તે અંગે છેવટ સુધી અનિશ્ચિતતા જોવા મળી હતી.
યુનિવર્સિટી સત્તાધીશોએ શિક્ષણ મંત્રી સહિત ગુજરાત સરકારના ચાર મંત્રીઓને આમંત્રણ આપ્યુ હતુ પણ શિક્ષણ મંત્રી અને બીજા બે મંત્રીઓ કાર્યક્રમમાં આવ્યા જ નહોતા અને છેવટે ૫-૩૦ વાગ્યે વાઈસ ચાન્સેલર સહિતના મહાનુભાવો સ્ટેજ પર ગોઠવાયા હતા.
આ દરમિયાન કેટલાક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પોતાના અનુભવ અને પોતાની સફળતા અંગે સ્ટેજ પરથી વિચારો રજૂ કર્યા હતા.આખો કાર્યક્રમ પણ લગભગ એકાદ કલાક મોડો શરુ થયો હતો અને વિવિધ મહાનુભાવોના વક્તવ્ય બાદ વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.એક તબક્કે કાર્યક્રમ દરમિયાન વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.સદનસીબે પાંચ મિનિટમાં જ ફરી વીજ પુરવઠો ચાલુ થઈ જતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.
ઘણા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓેને કાર્યક્રમ અંગે જાણ જ નહોતી
છેલ્લી ઘડીએ સ્થળ બદલતા ઘણા વિદ્યાર્થીઓ અટવાયા હોવાનો સેનેટ સભ્યનો આક્ષેપ
ગોલ્ડ મેડલ એનાયત કરવા માટેના અણઘડ આયોજન સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે.જેને સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્યે વાચા આપી છે.
તેમનુ કહેવુ છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ કાલાવાલા કર્યા છતા શિક્ષણ મંત્રી ફરકયા નહોતા.બીજી તરફ સ્ટેજ પર રાજકારણીઓનો સ્થાન આપીને આખા કાર્યક્રમને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો હતો.ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે સત્તાધીશોએ સરકારને સારુ લગાડવા માટે આ કાર્યક્રમ યોજયો હતો.
સેનેટ સભ્યનુ કહેવુ હતુ કે, યુનિવર્સિટી પાસે પોતાની અઢળક જગ્યાઓ હોવા છતા યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત યુનિવર્સિટી કેમ્પસની બહાર વિદ્યાર્થીઓે ગોલ્ડ મેડલ એનાયત કરવાની શરમજનક કામ સત્તાધીશોએ કર્યુ છે.ઘણા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને તો યુનિવર્સિટીએ આ કાર્યક્રમ યોજવા અંગે જાણ જ નથી કરી અને તેમના ફોન મારા પર આવ્યા છે.આ સમારોહ રાજકારણીઓના સન્માન સમારોહ હતો તેવુ લાગતુ હતુ.સેનેટ સભ્યોને પણ આગલી રાતે જાણ કરવામાં આવી હતી.સત્તાધીશોએ પહેલા ચં.ચી.મહેતા ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજવાનુ નક્કી કર્યુ હતુ પણ છેલ્લી ઘડીએ સ્થળ બદલ્યુ હતુ અને તેના કારણે ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા.
તેમના કહેવા અનુસાર નગર ગૃહમાં ખાલી બેઠકો ભરવા માટે એવા વિદ્યાર્થીઓને પણ બોલાવાયા હતા કે જેમને આ સમારોહ સાથે કોઈ લેવાદેવા નહોતી.
ભણવામાં મહેનત કરી પણ ગોલ્ડ મેડલના કાર્યક્રમ માટે આમંત્રણ જ ના મળ્યુ
સોશિયલ વર્ક ફેકલ્ટીની એક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થિની દેવાંશી પંચાલે એક વિડિયો જાહેર કરીને પોતાને આમંત્રણ નહીં મળ્યુ હોવાની વેદના વ્યક્ત કરી હતી.વિદ્યાર્થિનીએ કહ્યુ હતુ કે, ગોલ્ડ મેડલ મળે તે માટે બહુ મહેનત કરી હતી પણ જ્યારે મેડલ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો સત્તાધીશો તરફથી મને કોઈ ઈ-મેલ, મેસેજ કે આમંત્રણ મળ્યુ નથી.હું તો બહારગામ હોવાથી છેલ્લી ઘડીએ આવી શકું તેમ પણ નહોતી.મારી સત્તાધીશોને વિનંતી છે કે, આ બાબત પર ધ્યાન આપે.જેથી કરીને ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓને આવો અનુભવ ના થાય.
બે ધારાસભ્યોનો તો આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ પણ નહીં
કાર્યક્રમમાં હાજર રહેલા બે ધારાસભ્યોના તો નામનો ઉલ્લેખ પણ સત્તાધીશોએ આમંત્રણ પત્રિકામાં કર્યો નહોતો.તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ અપાવાયા હતા.એક ધારાસભ્યનુ તો સન્માન કરવાનુ સત્તાધીશોને છેલ્લી ઘડીએ યાદ આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ કાર્યક્રમ બાદ ચા-નાસ્તો કરતા હતા અને નગરગૃહના સંચાલકોએ લાઈટો બંધ કરી દીધી
ગોલ્ડ મેડલ એનાયત કરવાનુ અણઘડ આયોજન ઉડીને આંખે વળગે તેવુ હતુ.કાર્યક્રમ મોડો શરુ થયો હોવાથી ગોલ્ડ ેમેડલ આપવામાં પણ ઉતાવળ કરવામાં આવી હતી.છેલ્લે તો એક સાથે પાંચ-પાંચ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ લેવા માટે સ્ટેજ પર બોલાવી લેવાયા હતા.સ્ટેજ પર હાજર તમામ મહાનુભાવોેને ગોલ્ડ મેડલ આપવા માટે ઉભા કરી દેવાયા હતા.એવુ પણ ચર્ચાતુ હતુ કે, સમારોહના સમયે જ પોલીટેકનિકમાં બનનારા નવા બિલ્ડિંગનુ ખાતમુહૂર્ત રાખવામાં આવ્યુ હતુ અને તેના કારણે સમારોહ શરુ કરવામાં વિલંબ થયો હતો.મેયરને પણ એક કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો.બીજી તરફ પોતાના વક્તવ્યમાં વાઈસ ચાન્સેલરે સેનેટ અને સિન્ડિકેટ સભ્યો એવો ઉલ્લેખ પણ સુધ્ધા કર્યો નહોતો.કાર્યક્રમ પૂરો થયો બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ હોલની બહાર ચા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ હોલને આપવાનો સમય પૂરો થઈ ગયો હોવાનુ કહીને નગરગૃહના સંચાલકોએ લાઈટો બંધ કરી દીધી હતી અને યુનિવર્સિટીનો વધુ એક ફજેતો થયો હતો.યુનિવર્સિટીના એક અધિકારીએ આખરે કોર્પોરેશનના એક અધિકારીને ફોન કરીને રકઝક કરી ત્યારે ફરી લાઈટો ચાલુ કરી આપવામાં આવી હતી.આમ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને અપમાનિત થવાનો વારો આવ્યો હતો.
શિક્ષક બનવાની ઈચ્છા થતા એમએડ કરીને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા
સમારોહમાં હાજર અને એજ્યુકેશન સાયકોલોજી ફેકલ્ટીમાં ૩ ગોલ્ડ મેડલ મેળવનાર રચના અગ્રવાલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, પહેલા તો મેં સોફટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને એ પછી મને ભણાવવાની ઈચ્છા થતા મેં બીએડ કર્યુ હતુ.બીએડ કર્યા બાદ શિક્ષક તરીકે ભણાવવાનુ શરુ કર્યુ હતુ અને એમ.એસ.યુનિવર્સિટીમાં એમ એડ કરવાનુ નક્કી કર્યુ હતુ.આ દરમિયાન મારા લગ્ન થયા હતા અને મને બે બાળકો પણ છે.આમ છતા પરિવારજનોના સહકારના કારણે મેં એમએડનો અભ્યાસ આગળ વધાર્યો હતો અને મને ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે.હું ભવિષ્યમાં પણ અધ્યાપક તરીકે જ કામ કરવા માંગુ છું.
ગોલ્ડ મેડલ મેળવવામાં ફરી વખત ગર્લ્સનુ પ્રભુત્વ
ગોલ્ડ મેડલ મેળવવામાં વધુ એક વખત ગર્લ્સનુ પ્રભુત્વ જોવા મળ્યુ છે.આજે સમારોહ દરમિયાન વાઈસ ચાન્સેલરે કહ્યુ હતુ કે, ૬૦મા પદવીદાન સમારોહના ભાગરુપે ૧૯૧ સ્ટુડન્ટસને ૨૯૬ ગોલ્ડ મેડલ્સ આપવામાં આવ્યા છે અને ૧૯૧ સ્ટુડન્ટસમાં ૧૧૧ ગર્લ્સ અને ૮૦ બોયઝ છે.આમ વિદ્યાર્થિનીઓએ ફરી એક વખત મેદાન માર્યુ છે.
ગોલ્ડ મેડલ માટે સાસુનો આભાર માન્યો
એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાંથી જ ગોલ્ડ મેડલ મેળવનાર ઝૈનબ વ્હોરા પણ પરિણિત છે.ઝૈનબે સ્ટેજ પરથી પોતાના સાસુનો આભાર માનતા કહ્યુ હતુ કે, હું અભ્યાસ કરતી હતી ત્યારે મારા બાળકને તેમણે સાચવ્યુ હતુ અને તેના કારણે જ હું ગોલ્ડ મેડલ લાવી શકી છું.
મોરેશિયસના વિદ્યાર્થીને સંગીતમાં ગોલ્ડ મેડલ
૨૦૧૬થી પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં ઈન્ડિયન વોકલ મ્યુઝિકનો અભ્યાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થી નવિંદ ઓખેજને ગોલ્ડ મેડલ મળ્યો છે.મોરેશિયસમાં રહેતો નવિંદ પોતાના ગુરુની સલાહ માનીને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો.તેને હજી પણ યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે.કોઈ વિદેશી વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મળે તેવુ ભાગ્યે જ બનતુ હોય છે.
સાયકોલોજીની ગોલ્ડ મેડાલિસ્ટ બાસ્કેટ બોલની સ્ટેટ લેવલની ખેલાડી
સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર અમદાવાદની જિગ્યા મિતેરાણી રાજ્ય કક્ષાની બાસ્કેટ બોલ પ્લેયર પણ છે અને લોન ટેનિસ તેમજ ટેબલ ટેનિસ પણ રમે છે.તેનુ કહેવુ હતુ કે, બીજાને જાણતા પહેલા હું મારી જાતને જાણવા માંગતી હતી અને તેના કારણે મેં સાયકોલોજી વિષયમાં અભ્યાસ કરવાનુ નક્કી કર્યુ હતુ.