કાલુપુરારોડપર ટ્રાન્સપોર્ટરોને કારણે હોનારત સર્જાશે,જાેખમી કેમિકલ લીકેજ થતાં અફરાતફરી

લોકોને આંખોમાં બળતરા અને શ્વાસમાં તકલીફ અનુભવી,નજીકમાં જ ગણેશ પંડાલ હતોઃલોકોમાં રોષ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
કાલુપુરારોડપર ટ્રાન્સપોર્ટરોને કારણે હોનારત સર્જાશે,જાેખમી કેમિકલ લીકેજ થતાં અફરાતફરી 1 - image

વડોદરાઃ ફતેપુરા-કાલુપુરાના ભરચક રોડ પર ટ્રાન્સપોર્ટની ઓફિસોને કારણે લોકોને ભારે કનડગત પડે છે.રહેણાંક વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જોખમી કેમિકલની હેરાફેરી વખતે જ કેમિકલ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કાલુપુરા રોડ પર આવેલી અંકલેશ્વર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આજે સાંજે વાહનોની અવરજવર ચાલુ હતી અને નજીકમાં ગણેશ  પંડાલ હોવાને કારણે ભક્તો પણ પૂજા વિધિની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક કેમિકલનું ડ્રમ લીકેજ થતાં ધુમાડા નીકળવા માંડયા હતા.

લોકોએ આંખમાં બળતરા અને શ્વાસમાં તકલીફ અનુભવતાં ગભરાટ ફેલાયો હતો.ફાયર બ્રિગેડ આવી જતાં માસ્ક પહેરીને લીકેજ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને તરત જ નંદેસરીથી વાપી મોકલવા માટે આવેલા થીઓનિલ ક્લોરાઇડ નામના કેમિકલના ૨૦૦ લીટરના એક એવા પાંચ ડ્રમ ટેમ્પામાં નંદેસરી પરત મોકલ્યા હતા.ફાયર બ્રિગેડ અને પોલીસે કેમિકલની હેરાફેરીનું લાઇસન્સ છે કે કેમ,ફાયરની એનઓસી છે કે કેમ તે મુદ્દે તપાસ શરૃ કરી છે.

વધુ પ્રમાણમાં લીકેજ થયું હોત તો લોકોનો જાન જોખમાયો હોત

ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે,ટ્રાન્સપોર્ટ ઓફિસમાં લીકેજ થયેલું કેમિકલ માનવી માટે ખૂબ જ હાનિકારક હતું.જો વધુ પ્રમાણમાં લીકેજ થયું હોત તો માણસ બેભાન થઇ શકે અને મૃત્યુ પણ થઇ શકે તેમ હતું.જેથી હોનારત થતાં રહી ગઇ તે સારી વાત છે.

ટ્રાન્સપોર્ટને કારણે ટ્રાફિકની સમસ્યાની રજૂઆતની કોઇ અસર નહિં

કાલુપુરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસોને કારણે માલસામાન સાથેના વાહનોની અવરજવર તેમજ આડેધડ પાર્કિંગ થતું હોવાથી લોકોને ભારે અડચણ પડતી હોય છે અને ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય છે.નજીવા કારણસર ક્યારેક કોમી તોફાન થઇ જાય તેવી પણ શક્યતા છે.જે બાબતે કોર્પોરેશન અને પોલીસ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ પગલાં નહિં લેવાતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.


Google NewsGoogle News