એમ.એસ.યુનિ.ના વહિવટીતંત્રમાં સત્તાધીશોએ અચાનક જ ધરખમ ફેરફારો કર્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વહિવટીતંત્રમાં અચાનક જ ધરખમ ફેરફારો કરવામાં આવતા યુનિવર્સિટી વર્તુળોમાં ભારે આશ્ચર્ય સર્જાયુ છે.
યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા આસિસટન્ટ રજિસ્ટ્રાર લકુલેશ ત્રિવેદીની બદલી પાદરા કોલેજના ઓએસડી તરીકે કરી દેવામાં આવી છે.તેમણે પાદરા કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનુ રહેશે.બીજી તરફ યુનિવર્સિટીના પીઆરઓનો ચાર્જ આર્ટસ ફેકલ્ટીના ઈંગ્લિશ વિભાગના અધ્યાપક પ્રો.હિતેશ રાવિયાને સોંપી દેવામાં આવ્યો છે.તેમને ઓએસડી તરીકે જવાબદારી અપાઈ છે.પ્રો.રાવિયા કોમ્યુનિકેશન સેલના ડાયરેકટર તરીકે પણ ફરજ બજાવે છે.
જ્યારે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કન્ટ્રોલર તરીકે સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન ભાવના મહેતાની વરણી કરવામાં આવી છે.
આ જ રીતે પાદરા કોલેજના પ્રિન્સિપાલ તરીકે અત્યાર સુધી કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય પાસે ચાર્જ હતો.તેમની પાસેથી આ ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને કોમર્સ ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક કલ્પેશ નાયકની પાદરા કોલેજના પ્રિન્સિપાલ તરીકે વરણી કરવામાં આવી છે.
યુનિવર્સિટીમાં પહેલી વખત સત્તાધીશોએ અધ્યાપકની પણ એક ફેકલ્ટીમાંથી બીજી ફેકલ્ટીમાં બદલી કરી છે.સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક કપિલ શાસ્ત્રીને આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃતિ ડિપાર્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે.કારણકે આ વિભાગમાં અધ્યાપકની જગ્યા ખાલી છે.જોકે તેઓ જે વિષય ભણાવે છે તે વિષય આ વિભાગમાં ભણાવાતો જ નથી તેવી પણ ચર્ચા છે.આ તમામ બદલીઓના ઓર્ડર આજે જ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક અસરથી સબંધિત વ્યક્તિઓને ચાર્જ સંભાળી લેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.