ગાંધીનગર ડેપોમાં સિટી બસસ્ટેન્ડની જગ્યા બદલાઈ
રિનોવેશનની કામગીરીના પગલે
મુસાફરોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ડેપો તંત્ર દ્વારા કામચલાઉ સ્ટેન્ડ ઉભું કરાયું
ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં આવેલા એસટી બસ સ્ટેન્ડમાં તબક્કાવાર રીનોવેશનની કામગીરી શરૃ કરવામાં આવી છે. ત્યારે ડેપોમાં આવેલા સીટી બસ સ્ટેન્ડની છતનું કામ શરૃ કરવામાં આવનાર છે. જેના ભાગરૃપે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ડેપો તંત્ર દ્વારા સીટી બસસ્ટેન્ડની જગ્યા બદલવામાં આવી છે. જેથી મુસાફરોને પણ બસની સુવિધા મળી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગર એસ.ટી ડેપો બહાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારની
બસોની અવરજવર થઈ રહી છે. ત્યારે વર્ષો જૂના ડેપોમાં તંત્ર દ્વારા તબક્કાવાર
રીનોવેશનની કામગીરી શરૃ કરવામાં આવી છે. તેના ભાગરૃપે આગામી દિવસોમાં સીટી
બસસ્ટેન્ડ ઉપર આવેલી છતની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. જેથી મુસાફરોની સુરક્ષાને
ધ્યાને રાખીને ડેપો તંત્ર દ્વારા બસ સ્ટેન્ડની આસપાસ સર્વે હાથ ધરીને જગ્યા
બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ- ગાંધીનગર વચ્ચે અવરજવર કરતા
મુસાફરોને બસની સુવિધા મળી શકે તે માટે હાલમાં જે સીટી બસસ્ટેન્ડ આવેલું છે તેનાથી
થોડી દૂર બગીચાની પાસે બસ ઊભી રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. જેથી મુસાફરોને પણ
અવરજવર કરવામાં મુશ્કેલી પડે નહિ અને ડેપોમાંથી જ બસની સુવિધા મળી શકે તે
પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં સુધી રીનોવેશનની કામગીરી ચાલુ રહેશે
ત્યાં સુધી હાલમાં જે જગ્યાએ બસ અવર-જવર કરી રહી છે તેના બદલે ડેપોમાં આવેલા
બગીચાની પાસેથી બસની આવન જાવન થઈ શકશે.