વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના ઓપીડી સારવારના મેડિકલ બિલો રીએમ્બર્સ કરવાની નીતિમાં ફેરફાર
પ્રિસક્રાઈબડ કરેલી દવાઓ કોર્પોરેશનના કોમ્યુનિટી અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર પરથી લેવાની રહેશે
જો અહીંથી દવા ન મળે તો પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પરથી લેવી પડશે
વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાનાં મેડીકલ કાર્ડ ધરાવતા અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેઓ ઉપર આધારીત કુટુંબીજનો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોર્પોરેશનની સામાન્ય સભા એ અગાઉ કરેલા ઠરાવ મુજબ મેડિકલ સારવાર આપવામાં આવે છે. જેમાં વડોદરા શહેરની માન્ય, ટ્રસ્ટ અથવા તો ખાનગી હોસ્પિટલોમાંથી મેળવેલી ઓ.પી.ડી. સારવારનાં મેડીકલ બીલો રીએમ્બર્સ કરવામાં આવે છે હાલની આ નીતિમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ઓ.પી.ડી. અંગેના કેસોમાં પ્રિસ્ક્રાઇબડ કરેલી દવાઓ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા તો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પરથી લેવાની રહેશે. આ દવાઓ જો આ સેન્ટરો ઉપર દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી લેવાની રહેશે. અને તે જ બીલોને રીએમ્બર્સ કરવામાં આવશે. જો બન્ને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશ્યલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓનાં બીલોને મંજૂર કરવામાં આવશે. આ બંને પ્રકારના હેલ્થ સેન્ટર પર દવાઓ ઉપલબ્ધ ન હોવાનાં કિસ્સામાં જે-તે મેડીકલ ઓફીસર નું દવાઓ ઉપલબ્ધ ન હોવા અંગેનું વેરીફીકેશન મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ જ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાંથી લીધેલ દવાઓનાં મેડીકલ બીલો રીએમ્બર્સ કરવામાં આવશે. જો દવાઓ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રમાં ન હોય તો તેવા કિસ્સામાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું દવાઓ ન હોવા અંગેનું વેરીફીકેશન મેળવી લેવાનું રહેશે. ત્યારબાદજ અન્ય જગ્યાએથી લીધેલી દવાઓનાં બીલોને સ્પેશીયલ કેસ તરીકે મંજુર કરવામાં આવશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલા પરિપત્રનો તારીખ 1 એપ્રિલથી અમલ કરવા જણાવ્યું છે.