પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શનના સમયમાં ફેરફાર
નવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડને અનુલક્ષીને સવારે 5 વાગ્યાથી મંદિરના દ્વાર દર્શન માટે ખુલી જશે જે રાતના 8 વાગ્યા સુધી ખુલા રહેશે
વડોદરા : પાવાગઢના ડુંગર ઉપર આવેલી શક્તિપીઠ શ્રી મહાકાળી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીનું મંદિર દેશમાં આવેલી ૫૧ શક્તિપીઠ પૈકી એક છે એટલે નવરાત્રિ દરમિયાન અહી રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળી રહે તે માટે તા.૩ ઓક્ટોબર પ્રથમ નોરતાથી લઇને તા.૧૭ ઓક્ટોબર પુનમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર દર્શન માટે ખોલવામાં આવશે અને રાતના ૮ વાગ્યા સુધી દર્શન થશે. જો કે પ્રથમ નોરતે એટલે તા.૩ ઓક્ટોબર, ૬ ઓક્ટોબર ત્રીજા નોરતે, ૧૧ ઓક્ટોબર આઠમના રોજ, ૧૩ ઓક્ટોબર દશમા નોરતે અને ૧૭ ઓક્ટોબર પુનમના રોજ દર્શન સવારે ૪ વાગ્યે ખુલી જશે. તેમ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.