ફોરેસ્ટના કર્મચારીઓને ઘેર બોલાવી મારી નાખવાની ધમકી આપી ચૈતર વસાવાનું ૧ રાઉન્ડ ફાયરિંગ
ચૈતર વસાવા ફરાર : ચૈતરની પત્ની સહિત ૩ની ધરપકડ : આજે ડેડિયાપાડા બંધનું એલાન
રાજપીપળા,જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ''આપ''ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
નર્મદા એસપી પ્રશાંત શુંભેએ કહ્યું હતું કે ફોરેસ્ટની જગ્યામાં પરવાનગી વિના ખેતી કરી શકાય નહીં. જેથી ખેડૂતોને સૂચના પણ આમ હતી કે આ જગ્યા પર ખેતી કરવી નહીં. આમ છતાં ખેતી કરાઈ હતી. જેથી પાક વગેરે કાઢવાની કામગીરી કરાઈ હતી. તા. ૨૯ના રોજ આ ઘટના બાદ તા.૩૦ની રાત્રે ૮ વાગ્યે ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને મારપીટ કરી, ગાળો ભાંડવા ઉપરાંત ધમકાવ્યા હતા અને ખેડૂતોના પાકને જે નુકસાન કર્યું તેના પૈસા માગ્યા હતા. જો પાકના નુકસાનના વળતરના રૃપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ૧ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફોરેસ્ટની આ જગ્યા દેડિયાપાડા ફૂલસર રેન્જમાં આવે છે. પોલીસે હાલ ધારસભ્યના પત્ની શકુંતલા, ધારાસભ્યના પી.એ. જીતેન્દ્ર અને એક ખેડૂત રમેશ ગીમ્બાની ધરપકડ કરી પૂછપરછ શરૃ કરી છે. ચૈતર વસાવા ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૃ કરી છે. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. ભરૃચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ફોરેસ્ટના લોકોએ ખેડૂતોને કામ કરતા ન અટકાવવા જોઈએ. જોકે ધારાસભ્યે પણ યોગ્ય પ્લેટફોર્મ પર વાતચીત કરવી જોઈએ. ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા આદિવાસી સમાજ દ્વારા તા.૪ને શનિવારે ડેડિયાપાડા બંધનું એલાન અપાયું છે.
આદિવાસીઓએ કહ્યું હતું કે ધારાસભ્ય સામે ખોટી ફરિયાદ કરવામાં આવતા તે મુદ્દે બંધનું એલાન અપાયું છે.