કરનાળી મંદિરમાં વૃધ્ધાની સોનાની ચેનની તફડંચી
કુબેરભંડારી મંદિર પરિસરમાં તુલસીસ્તંભ પાસે ૩૦ ગ્રામ ચેન તોડી ગઠિયો બિનધાસ્ત ફરાર
વડોદરા તા.16 કરનાળી કુબેરભંડારી મંદિર પરિસરમાં અછોડાતોડ ગઠિયો રાજપીપળા તાલુકાની વૃધ્ધાના ગળામાંથી ૩૦ ગ્રામ વજનની સોનાની ચેન આંચકીને ફરાર થઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે રાજપીપળા નજીક વાવડી ગામમાં રહેતા મણીબેન ચંદુભાઇ પટેલ તા.૬ના રોજ અમાસના દિવસે પુત્ર અને પુત્રવધૂ સાથે કરનાળી ખાતે કુબેરભંડારી મંદિરમાં દર્શન કરવા ઘેરથી નીકળ્યા હતાં. પોઇચા ખાતે ગાડી પાર્ક કરી તેઓ નદી માર્ગે કરનાળી પહોંચ્યા હતાં.
મંદિરમાં ગિરદી વધારે હોવાથી મણીબેન અને તેમના પુત્ર તેમજ પુત્રવધૂએ મંદિર પરિસરમાં તુલસીસ્તંભ પાસેથી દર્શન કરી પરત જવાનું નક્કી કરી તેઓ તુલસીસ્તંભ ખાતે દર્શન કરવા ઊભા હતાં. દર્શન દરમિયાન મણીબેનને પાછળથી સાડી ખેંચાઇ હોવાનો અહેસાસ થયો હતો પરંતુ ભીડના કારણે તેઓ આગળ નીકળી ગયા હતાં. આ વખતે મણીબેને ગળામાં પહેરેલી રૃા.૧.૩૦ લાખ કિંમતની ૩૦ ગ્રામ સોનાની ચેન જણાઇ ન હતી. મણીબેને બૂમાબૂમ કરતા પુત્ર અને પુત્રવધૂ આવી ગયા હતા અને તેમણે તુલસીસ્તંભ ખાતે જઇ તપાસ કરતા કોઇ જણાયું ન હતું.
બાદમાં મંદિરની ઓફિસમાં જઇ સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં પણ ચેન તોડનાર જણાતો ન હતો. આ અંગે આખરે મણીબેને ચાણોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.