વિરામ બાદ અછોડાતોડો ફરી ત્રાટક્યા, હરણીરોડ પર મોર્નિંગ વોકર મહિલાનું મંગળસૂત્ર લૂંટયું
વડોદરાઃ થોડો સમય વિરામ લીધા બાદ મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતા અછોડાતોડો ફરીથી સક્રિય બન્યા છે અને આજે સવારે હરણી રોડ પર એક મહિલાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયા હતા.
થોડા સમય પહેલાં અછોડાતોડો વહેલી સવારે એક કલાકના ગાળામાં પાંચ અછોડા લૂંટીને ફરાર થઇ ગયા હતા.ત્યારપછી અછોડા તૂટવાના છૂટાછવાયા બનાવ બન્યા હતા.જેમાં આજે વધુ એક બનાવનો ઉમેરો થયો છે.
હરણીરોડના ચિંતનપાર્કમાં રહેતા મનિષાબેન ભદ્રેએ પોલીસને કહ્યું છે કે,આજે સવારે છ વાગે હું વોક માટે નીકળી હતી ત્યારે મીરા ચાર રસ્તા પાસે બાઇક પર સવાર કાળા કપડાં પહેરેલ બે યુવકો પાછળથી આવ્યા હતા અને મારા ગળામાંથી રૃ.પોણો લાખની કિંમતનું ૧૭ ગ્રામનું મંગળસૂત્ર તોડીને ફરાર થઇ ગયા હતા.
ડીસીપી પન્ના મોમાયાએ બનાવ અંગે જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ મારફતે લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ છે.