પતિ સાથે રાત્રે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો
- ગઈકાલે રાત્રે જમીને પતિ સાથે ચાલવા નીકળેલા ખાનગી કંપનીના મહિલા મેનેજરના ગળામાંથી સોનાનો અછોડો આંચકીને બાઈક સવાર લુંટારાઓ ફરાર થઈ ગયા હતા
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરામાં વાઘોડિયા રોડની તક્ષશિલા સોસાયટીમાં રહેતા સુષ્માબેન પારેખ ગેડા સર્કલ પાસે આવેલી ખાનગી કંપનીમાં મેનેજર છે તેમના પતિ વેપાર કરે છે. ગઈકાલે રાત્રે 9:30 વાગે તેઓ પતિ સાથે જમીને ચાલવા નીકળ્યા હતા. વાઘોડિયા રોડ ડી-માર્ટ સુધી ગયા પછી તેઓ રોંગ સાઈડએ ચાલતા ચાલતા પાછા આવતા હતા તે સમયે ડીમાર્ટ તરફથી રોંગ સાઈડ પર આવેલા બાઈક સવાર બે આરોપીઓ પૈકી પાછળ બેઠેલા આરોપીએ સુષ્માબેનના ગળામાંથી સોનાની એક તોલા વજનની ચેન આંચકી લીધી હતી. સુષ્માબેને બુમાબૂમ કરતા રાહદારીઓ બાઈક સવારને પકડવા દોડીયા હતા પરંતુ બાઈક સવાર લૂંટારાઓ જય અંબે ગરબા ગ્રાઉન્ડ તરફથી ભાગી ગયા હતા. પાછળ બેઠેલા આરોપીએ પીળા કલરનો જેકેટ પહેર્યું હતું જ્યારે બાઈક ચલાવનાર આરોપીએ હુડી ટાઈપનું જેકેટ પહેર્યું હતું. અંધારાના કારણે તેઓ બાઈકનો નંબર જોઈ શક્યા ન હતા. પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓને શોધખોળ હાથ ધરી છે.