વડોદરા શહેરમાં ફરી અછોડાતોડ ટોળકી ઝળકી : વહેલી સવારે ચાર જગ્યાએ સોનાની ચેઇન તોડી ફરાર
Chain Snatching in Vadodara : વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત પોલીસ વિભાગએ આજે રાહતનો દમ લીધો હતો ત્યારે અછોડા તોડ ટોળકી વડોદરા શહેરમાં ફરી ઝળકી હતી અને ત્રણથી ચાર જગ્યા પર અછોડા તોડી ફરાર થઈ ગયાના કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
વડોદરા શહેરના નિઝામપુરામાં રહેતા શ્વેતલભાઇ રોજ સવારે સયાજી બાગમાં ચાલવા જતા હોય છે ત્યારે આજે સવારે ફતેગંજ પાસે મોટર સાયકલ પર આવેલા બે વ્યક્તિએ શ્વેતલભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયા હતા. તે પછી થોડી જ વારમાં તેનાથી થોડે દૂર એમ.એસ.યુનિવર્સિટીની બીબીએ ગ્રાઉન્ડમાં ચાલવા જનાર સંદીપભાઈના ગળામાંથી સોનાની ચેઇન અને કંઠી ખેંચી લઈને બંને ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અને બાલભવન પાસે પણ અછોડા તોડ ટોળકી ઝળકી હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અછોડાતોડ એક જ ટોળકીએ ચાર જગ્યાએ હોય તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.